________________
૧૨૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૫)
અજવાળું પોતાને પ્રકાશ કરતું નથી અને પેલું અજવાળું પોતાને ને પારકી બધી વસ્તુને પ્રકાશ કરે છે. આ દીવો પોતાને પ્રકાશ ન કરે, એ બીજાને પ્રકાશ આપે અને આ અજવાળું તો આ બાજુ લાઈટ હોય તો આ બાજુનો ભાગ ન દેખાય. દેખાય ? લાઈટ અહીં હોય તો પાછળ દેખાય નહીં ? આત્માનો પ્રકાશ ઑલ રાઉન્ડ (બધી બાજુ) હોય, બધી જ જગ્યાએ દેખાય. આ પ્રકાશ જ્યોતિ સ્વરૂપ છે. આ પ્રકાશ કલ્પનાની બહારનો છે.
જીવમાત્રને પ્રકાશ આપે એવું એનું ફંક્શન પ્રશ્નકર્તા: આ જે દરઅસલ આત્મા છે એ જ ભગવાન, તો એનું ફંક્શન શું છે ? દરઅસલ આત્માનું, મૂળ આત્માનું?
દાદાશ્રી : હં, એનું ફંક્શન એટલું છે કે જીવમાત્રને પ્રકાશ આપી રહ્યો છે.
પોતાની પાસે સ્વતંત્ર પ્રકાશ છે, પરમ જ્યોતિસ્વરૂપ પ્રકાશ. તેમાંથી મિકેનિકલ ચેતન છે તેને પ્રકાશ આપી રહ્યું છે, અહંકારને કે તારે તે પ્રકાશમાં જે જે, જેટલું કરવું હોય તે કર વ્યવહારમાં. એ પ્રકાશમાં તને જ્યાં સુધી અનુકૂળ આવે ત્યાં સુધી આ પદ્ગલિક રમત રમ. કહે છે. આ ભૌતિક રમત રમ તું, તને અનુકૂળ આવે ત્યાં સુધી. અને તને ના પોષાય ત્યારે તું મારી પાસે આવજે. તો તને મારામાં સમાવી લઈશ. પણ જ્યાં સુધી પોષાય ત્યાં સુધી સંસાર કર કહે છે. એટલે દરઅસલ આત્મા પ્રકાશ જ આપે છે. બીજું કશું કરતો નથી. એની હાજરીથી જ આ બધું ચાલે છે. શરીરમાં એ ન હોય તો આ ચાલે નહીં. એમની હાજરીથી ચાલે, એ કર્તા નથી. જેમ સૂર્યનારાયણની હાજરીથી આ બધા લોકો કામ કરે કે ના કરે ? એ એની હાજરીથી આ બધું ચાલ્યા કરે છે.
પણ આ રિલેટિવ પ્રકાશ કશું કરે નહીં. આ પ્રકાશ તો ભગવાનના પ્રકાશને જોઈ શકતો જ નથી અને ભગવાનનો પ્રકાશ આ પ્રકાશને જોઈ શકે છે. ભગવાનનો પ્રકાશ સૂર્યના પ્રકાશને જોઈ શકે છે, સૂર્યનો પ્રકાશ ભગવાનના પ્રકાશને જોઈ શકતો નથી. ત્યારે ભગવાન કેવા સુંદર હશે? સુંદર કહેવું એ ખોટું કહેવાય, લાવણ્યમય કહેવાય.