________________ 308 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) સમજવામાં આવી ગયું. કોઈ વખત સમજણ ના પડે ને કંઈક ભાંજગડ થઈ જાય તોય પણ તરત પાછું જ્ઞાન હાજર થઈ જાય કે ભાઈ, એનો શો દોષ ? વ્યવસ્થિત છે એ સમજાય, નિમિત્ત છે એ સમજાય, બધું સમજાઈ જાય. એવું સમજાયને ? જગત નિર્દોષ છે એવું તો તમને સમજાય કે ના સમજાય ? પ્રશ્નકર્તા : ચોક્કસ. દાદાશ્રી: તે ભગવાનને અનુભવમાં હતું અને તમને આ સમજમાં છે. સમજ અમારા જેવી રહે ને એટલે એઝેક્ટ હાજર, શૂટ ઑન સાઈટ સમજ રહે. તે અમારું આ કેવળદર્શન કહેવાય. તમારું કેવળદર્શન હજુ થઈ રહ્યું છે. આત્માને ઓળખવો, આત્માને અનુભવવો. દાદાએ કહ્યું એટલા પૂરતું સ્થિતિ બેસી, એ છે તે કેવળદર્શન ભણી જાય. કોઈને કેવળદર્શન આખુંય થઈ જાય. અને કેવળજ્ઞાન થાય એવું નથી ત્યારે આપણે એને શું કરવા બોલાવીએ? જે થાય એવું ના હોય એને કહીએ કે પધારો, પધારો, પધારો તો એની મહેનતેય બધી છૂટી પડે. ના છૂટી પડે ? અને કામેય શું છે આપણે ? કેવળદર્શન તે ઓછું પદ કહેવાય ? વર્લ્ડની અજાયબી પદ કહેવાય ! આ દુષમકાળમાં કેવળદર્શન તો ગજબનું પદ કહેવાય ! કેવળદર્શન અને કેવળજ્ઞાન, એ બે ભેગું રહે એ જ્યોતિસ્વરૂપ થાય. બે ભેગા થયા કે સુખ ઉત્પન્ન થાય. એટલે સુખ સહિત કેવળજ્ઞાન અને કેવળદર્શન એનું નામ પરમ જ્યોતિસ્વરૂપ કહેવાય. એની વાત જ જુદીને ! આ થોડી થોડી તમને સુગંધ આવે છે તો આટલો આનંદ રહે છે, આ પ્રતીતિમાં આટલો આનંદ આવે છે, તો મૂળ વસ્તુ પામે ત્યારે કેટલો બધો આનંદ આવે !