________________ 198 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) જો બહારની ચંચળતા ઓછી કરીએ તો તરત અચળતાનો ચોખ્ખો સ્વાદ આવે. પેલો ચંચળતાને લીધે સ્વાદ આવે છે ખરો પણ માલમ ના પડવા દે. આત્માનો સ્વભાવ અચળ છે. હવે આખો દહાડો ચંચળ બધું હલ્યા જ કરે, હલ્યા જ કરે. પેલો મહીં સ્વાદ તો આવે પણ હલ્યા કરે, એમાં શું ખબર પડે આપણને ? પ્રશ્નકર્તા ખબર પડે. દાદાશ્રી : આપણે મોઢામાં જલેબી મૂકી હોય અને ચિત્ત છે તે કંઈક ગયું હોય, કોઈ જગ્યાએ, તો જલેબીનો સ્વાદેય આપણને ખબર ના પડે. તો આત્માનો સ્વાદ મીઠો આવતો હોય તે શી રીતે ખબર પડે ? એ પેલો સ્વાદ આવે ત્યારે ખબર પડે કે ઓહોહો ! ઈન્દ્રિયોના સુખ કરતાં તો આ અતીન્દ્રિય સુખ બહુ ઊંચી વસ્તુ છે. એને અતીન્દ્રિય સુખ છે એવું નક્કી થઈ ગયું, ડિસિઝન આવી ગયું. આત્મામાંથી જ સુખ આવે છે એ ડિસિઝન આવી ગયું. એ સુખ નથી જલેબીનું, નથી વિષયોનું એવો આપણને અનુભવ થઈ જાયને? મહીં ચંચળતા બંધ થાય કે અચળતાનો સ્વાદ ઉત્પન્ન થાય. પુદ્ગલ સ્વભાવ ચંચળ છે ને આત્માનો અચળ છે. જેટલી સ્થિરતા વધે તેટલો આત્મા તરફ જાય ને જેટલી ચંચળતા વધે તેટલો પુદ્ગલ તરફ જાય. સચરને જોતા-જાણતાર અચળ જ્ઞાતા-દ્રષ્ટા પ્રશ્નકર્તા : આત્મા ચેતન છે તો ચેતન શબ્દનો અર્થ શું ? ચેતન એટલે જ હાલતું-ચાલતું તો આત્મા અચળ કહે છે તે શું ? દાદાશ્રી : એ તો આ વાદળાય ચાલે છે ને ! લોકોએ માની લીધું છે કે હાલતું-ચાલતું ચેતન છે. ચેતન એટલે જ જ્ઞાન-દર્શન. ચેતન કશું જ કરતું નથી. ફક્ત જાણવાની છે તે જોવાની ક્રિયા, બે જ ક્રિયાઓ એની છે. પ્રશ્નકર્તા એક સૂત્રમાં તમે કહ્યું છે કે જે અસ્થિર છે તેને જોવાની મજા છે, સ્થિરને જોવામાં શું છે ?