________________ 194 આપ્તવાણી-૧૪ (ભાગ-૩) બધું સ્પંદનવાળું અસ્થિર છે. તે હાલ્યા જ કરે, હાલ્યા જ કરે. આમ અડધો કલાક કે કલાક થાય, વધુ શી રીતે થાય ? આ મૂળ તો સ્વભાવથી જ અસ્થિર છે. આ જે અસ્થિર થાય છે ને અસ્થિર દેખાય છે તે આત્મા જ હોય. આત્માને સ્થિર કરવાની જરૂર જ નથી. આત્મા સ્થિર જ છે. આ તો લોકો અણસમજણથી એમ જ માની બેઠા છે કે હવે આત્માને સ્થિર કરવો. કહેશે, આ ચંચળને હું સ્થિર કરી દઉં તો મારો આત્મા પૂરો થઈ જાય. ચંચળ આત્માને સ્થિર કરો, કહે છે. પણ આ તો કોઈ દહાડો થયો નથી કોઈનો. આ થોડોક કાળ વખતે ફાયદો રહે એનાથી. સ્થિર એ તો થોડોઘણો અભ્યાસ પૂરતો કરવું પડે, અસ્થિરતા મટાડવા માટે. બાકી એ કાયમનો સ્થિર ના થાય, આ તો સચળ. અસ્થિર જો ટેમ્પરરી સ્થિર થાય, તો પણ વર્તે સુખ પ્રશ્નકર્તા : એનો ચંચળતાનો સ્વભાવ જ છે. દાદાશ્રી : સ્વભાવ જ એનો ચંચળતાનો છે પણ બહુ અતિશય વધી જાયને, તો થોડીવાર બેસીએ તો જરા સ્થિર થાય, આમ નોર્માલિટીમાં આવે. પણ કાયમી સ્થિર થાય નહીં. અસ્થિરતાવાળામાં સ્થિર એટલું જ કરવાનું છે કે આપણે જરાક ઊંઘી જવું હોય તો આપણે શું કહીએ છીએ કે જરાક બહારના વિચારો બંધ કરીને બેસો, તો પછી ઊંઘ આવે. આપણે સૂઈ જઈએ, તે વખતે આપણને આ બધું નથી થતું કે ભઈ, હવે વાતો રહેવા દો અત્યારે, મારે સૂઈ જવું છે. તેવું જ, સ્થિર કેટલું કરવાનું? આટલું જ સ્થિર કરવાનું. કાયમ તે સ્થિર થતું હશે આ તે કંઈ ? એનું નામ જ ચંચળ. અજ્ઞાનીયે જો રાત્રે ઊંઘી ગયો હોય અને જો એકેય પરમાણુ મહીંનું ઊડ્યું ના હોય તો તેને બહુ સુખ વર્ત. કારણ બહારનો ચંચળ ભાગ અચળ રહ્યો. મહીં તો અચળ છે જ. પોતે અચળ છે અને ચંચળ ભાગ જેટલો અચળ રહ્યો તેટલું વધારે સુખ રહે. જો ચંચળ વધારે તો સુખ ઓછું થાય, જ્ઞાનને માટે કાંઈ જ ફેર ન પડે. અચળનું તો આખા જગતને ભાન નથી.