________________
હું તો કેટલાંક જણને મારે હાથે સિદ્ધિ કરી આપવાનો છું. પછી પાછળ જોઈએ કે ના જોઈએ ? પાછળ લોકોને માર્ગ તો જોઈશે ને ?
૯. જ્ઞાનવિધિ શું છે ? પ્રશ્નકર્તા : આપની જ્ઞાનિવિધ એ શું છે ?
દાદાશ્રી : જ્ઞાનવિધિ તો પુદ્ગલ અને આત્માનું સેપરેશન કરે છે (છૂટું પાડે છે) ! શુદ્ધ ચેતન અને પુદ્ગલ, બેનું સેપરેશન.
પ્રશ્નકર્તા : એ સિદ્ધાંત તો બરાબર છે પણ એની રીત શું છે એ જાણવું છે ?
દાદાશ્રી : આપવાનું એવું કશું હોતું નથી, અહીં બેસીને આ જેમ છે એમ બોલવાની જરૂર છે (‘પોતે કોણ છે' એનું ભાન કરાવવાનો બે કલાકનો જ્ઞાનપ્રયોગ હોય છે. તેમાં અડતાલીસ મિનિટ આત્મા-અનાત્માનાં ભેદ પાડનારાં ભેદવિજ્ઞાનનાં વાક્યો બોલાવવામાં આવે છે. હવે તે બધાએ સામૂહિકમાં બોલવાના હોય છે. ત્યાર બાદ એક કલાક ‘પાંચ આજ્ઞાઓ' દાખલા સાથે વિગતવાર સમજાવવામાં
આવે છે, કે હવે પછીનું જીવન કેવી રીતે પસાર કરવું જેથી નવાં કર્મો બંધાય નહીં, જૂના કર્મો સંપૂર્ણ પૂરાં થાય ને સાથે સાથે ‘હું શુદ્ધાત્મા છું'નું લક્ષ કાયમ રહ્યાં કરે.)
૧૦. જ્ઞાનવિધિમાં શું થાય છે?
અમે જ્ઞાન આપીએ, એનાથી કર્મ ભસ્મીભૂત થઈ જાય છે અને તે ઘડીએ ઘણાં આવરણો તૂટી જાય છે. ત્યારે ભગવાનની કૃપા થતાંની સાથે જ એ પોતે જાગૃત થઈ જાય છે. જાગ્યા પછી એ જાગૃતિ જતી નથી. પછી નિરંતર જાગૃત રહેવાય. એટલે નિરંતર પ્રતીતિ રહેવાની જ. આત્માનો અનુભવ થઈ ગયો એટલે દેહાધ્યાસ છૂટી ગયો. દેહાધ્યાસ છૂટી ગયો એટલે કર્મ બંધાતાં અટકી ગયાં. પહેલી અજ્ઞાનથી મુક્તિ થઈ જાય છે. પછી એક-બે અવતારમાં છેલ્લી મુક્તિ મળી જાય.
૧૮