________________
અધ્યાત્મોપનિષત્પ્રકરણ
અધ્યાત્મ-વૈશારદીકારની ઊર્મિ
આત્માને ઉદ્દેશીને, આત્માના પરિપૂર્ણ પાવન સ્વરૂપને ઉદ્દેશીને કે સ્વગત પરમાત્મભાવની પ્રાપ્તિને ઉદ્દેશીને જે નિર્મળ વિચાર, નિર્દોષ વાણી કે નિર્દભ વર્તન કરવામાં આવે તે બધું ય અધ્યાત્મ છે. આવા અધ્યાત્મની સાનુબંધ પ્રાપ્તિ, સ્થિરતા, ઉત્તરોત્તર વૃદ્ધિ માટે સૂક્ષ્મ બુદ્ધિ અને શુદ્ધ બુદ્ધિ આવશ્યક છે. સ્યાદ્વાદપરિકર્મિત સૂક્ષ્મબુદ્ધિ વિના અધ્યાત્મની સ્થિરતા શક્ય નથી. સહજમલહ્રાસથી પ્રાપ્ત થનાર નિર્મળ બુદ્ધિ વિના અધ્યાત્મની પ્રાપ્તિ, વૃદ્ધિ અને શુદ્ધિ શક્ય નથી. આ ઔત્સર્ગિક શાસ્ત્રીય વ્યવસ્થા છે. ૯।। પૂર્વનો અભ્યાસ કરવા છતાં, તેને કંઠસ્થ કરવા છતાં નિર્મળ બુદ્ધિનો અભાવ હોવાથી અભવ્ય વગેરે જીવો અધ્યાત્મને વાસ્તવિક રીતે પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે નિર્મળ બુદ્ધિથી અધ્યાત્મને પ્રાપ્ત કરવા છતાં સૂક્ષ્મ બુદ્ધિ ન હોવાથી સિદ્ધર્ષિગણી જેવા પ્રકાંડ વિદ્વાન પણ અનેક વાર અસ્થિર બન્યા. સૂક્ષ્મ અને નિર્મળ બુદ્ધિના પ્રભાવે જંબુસ્વામી વગેરે સાનુબંધ અધ્યાત્મની પ્રાપ્તિ, સ્થિરતા, વૃદ્ધિ અને શુદ્ધિને વરવાનું લોકોત્તર સૌભાગ્ય પામી શક્યા.
પ્રસ્તુત ગ્રન્થ ખંડન-મંડનનો નથી. પણ અધ્યાત્મસંબંધી ચરમ રહસ્ય ઉપર વિશદ પ્રકાશ પાથરનાર છે. છતાં સૂક્ષ્મ બુદ્ધિ વિના સાનુબંધ અધ્યાત્મસ્થિરતા પ્રાયઃ શક્ય ન હોવાના કારણે જ મહોપાધ્યાયજી મહારાજે શાસ્ત્રયોગશુદ્ધિ નામના પ્રથમ પ્રકાશમાં શાસ્ત્રની કષ-છેદ-તાપ પરીક્ષાની વિસ્તૃત છણાવટ કરેલ છે, એકાંતશાસ્ત્રનું ખંડન પણ કરેલ છે. અનેકાન્તનું ખંડન કરનાર એકાંતનું નિતાંત કરુણાબુદ્ધિથી ખંડન એ અનેકાન્તનું મંડન છે. એ ખંડનનું ખંડન = મંડન. આના પરિચયથી સર્વવ્યાપી અનેકાન્તવાદ પ્રત્યેની આસ્થા અસ્થિમજ્જાવત્ બને, અનેકાન્તપરિકર્મિત સૂક્ષ્મ બુદ્ધિ પણ સુલભ બને, અનેકાન્તપ્રકાશક શ્રીજિનેશ્વર ભગવંતો પ્રત્યે બહુમાનભાવમાં ઉછાળો આવે, સમ્યગ્દર્શનના આવરણ વિલીન થાય, નિર્મળ સમ્યગ્દર્શન પ્રગટે... આવો પવિત્ર આશય એકાંતખંડનમાં નિહિત છે. જો કે દરેક સમકિતી જીવમાં દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાના પ્રભાવે અનેકાંતબોધ હોય છે જ. પરંતુ આવા પ્રકારના અભ્યાસ વિના તે અવ્યક્ત હોય છે, મંદ હોય છે. તથાવિધ અભ્યાસથી તે અનેકાંતબોધ સ્પષ્ટ થાય છે, શુદ્ધ થાય છે, બળવાન બને છે.
વાસ્તવમાં જૈનદર્શનમાં એકાન્તવાદનું-નયવાદનું નિરૂપણ પ્રવિષ્ટ જ નથી. તેથી તેના ખંડનનો સવાલ જ ઉપસ્થિત થતો નથી. પરંતુ તેવા પ્રકારના શિષ્યની બુદ્ધિને કુશળ બનાવવાના ઉદ્દેશથી સ્યાદ્વાદનો સર્વતોમુખી વિશદ પરિચય કરાવવા અનિવાર્ય સંયોગમાં આપવાદિક રીતે એક્નયદેશના પણ જૈનદર્શનમાં આવકાર્ય છે. આ વાત સમ્મતિતર્ક ગ્રન્થરત્નમાં શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિજી મહારાજે સ્પષ્ટ રીતે જણાવેલ છે. આ હકીકતને લક્ષમાં રાખી, ઉપરોક્ત અનેકવિધ પવિત્ર આશયથી પ્રસ્તુત ગ્રન્થરત્નમાં પણ મળતું એકાંતખંડન વ્યાજબી જ છે. ધૂળમાં રહેલ હોવાના કારણે મિલન દેખાવા છતાં સોનાને સોનું કહેવું એમાં કોઈ રાગ-મમતા નથી. તથા તેજસ્વી લાગવા છતાં પિત્તળને પિત્તળ કહેવું એમાં કોઈ દ્વેષ-ધિક્કારભાવ નથી. પરંતુ તે જ સાચી મધ્યસ્થતા છે. છતાં કઠાગ્રહ છોડીને, ગુણગ્રાહી સ્વભાવ અપનાવવો આ સ્યાદ્વાદનું અસલ સ્વરૂપ છે.