________________
૮-૮ દ્વારો છે. આમ કુલ ૩૪ દ્વા૨ોની વિચારણા આ ગ્રન્થમાં કરી છે. ત્યાર પછી અમુક વિશેષ પદાર્થો પણ જણાવ્યા છે.
બૃહત્સંગ્રહણિની જેમ સંગ્રહણિસૂત્રમાં પણ ચાર અધિકાર અને ૩૪ દ્વારોની વિચારણા કરી છે.
આ બન્ને ગ્રન્થોના પદાર્થો લગભગ સરખા છે.
આ બન્ને મૂળ ગ્રન્થો અને તેમની ટીકાઓના બધા પદાર્થોનું સંકલન અમે આ પદાર્થપ્રકાશ ભાગ-૮ માં કર્યું છે. અમુક સ્થળોએ બન્ને ગ્રંથોમાં મતભેદ છે તે મતભેદો તે તે સ્થળે જણાવ્યા છે.
ઘણા પદાર્થોને કોઠાઓ રૂપે સાંકળી લીધા હોવાથી સમજવામાં સરળતા રહે છે.
બૃહત્સંગ્રહણિના રચયિતા શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણજી મહારાજ છે. બૃહત્સંગ્રહણિની ટીકા શ્રીમલયગિરિ મહારાજે રચી છે. સંગ્રહણિસૂત્રના રચયિતા શ્રી શ્રીચન્દ્રસૂરિ મહારાજ છે. સંગ્રહણિસૂત્રની ટીકા શ્રીદેવભદ્રસૂરિ મહારાજે રચી છે. આ બન્ને મૂળકાર અને બન્ને ટીકાકાર મહાત્માઓને આજે કૃતજ્ઞતાભાવે નમન કરીએ છીએ, કેમકે એમના મૂળગ્રન્થો અને ટીકાગ્રન્થોના કારણે આજે આપણને સ્વાધ્યાયની સુંદર તક મળી છે.
પદાર્થસંગ્રહ પછી બન્ને મૂળગ્રન્થોની ગાથાઓ અને તેમના શબ્દાર્થો આપ્યા છે. તેથી ગાથા ગોખનારા પુણ્યાત્માઓ માટે પણ આ ગ્રંથ બહુ ઉપયોગી છે. બૃહત્સંગ્રહણિની ૩૬૭ ગાથાઓ છે અને સંગ્રહણિસૂત્રની ૩૪૭ ગાથાઓ છે.
ગાથા-શબ્દાર્થ પછી પુસ્તકને અંતે પદાર્થોને સમજવા ઉપયોગી ચિત્રો પણ આપ્યા છે.