________________
૧.૨.૨
૩૫ (6) શંકા- તમારો સ્યાદ્વાદ ભલે યુક્તિયુક્ત હોય અને તેના આધારે શબ્દની સિદ્ધિ ય ભલે થાય. પણ તમે જો ગ્રન્થની આદિમાં અભિધેય-પ્રયોજન વિગેરેનું કથન નહીં કરો તો બુદ્ધિમાન લોકો આ ગ્રન્થ ભણવાની પ્રવૃત્તિ શી રીતે કરશે?
સમાધાન - બુદ્ધિમાનો ગ્રન્થમાં પ્રવૃત્તિ કરે તે ખાતર અમે વાલા સિદ્ધિઃ ચા આવો અર્થ કરશું. વા એટલે વિવિકત (સમ્યક) એવા શબ્દપ્રયોગ. સમ્યગૂશબ્દપ્રયોગોથી સમ્યગ્રજ્ઞાનની પ્રાપ્તિરૂપ સિદ્ધિ થાય છે. આમ આ શબ્દાનુશાસનમાં સમ્યક્ શબ્દો અભિધેય (વિષય) છે. શબ્દાનુશાસન સમ્યજ્ઞાન અને પરંપરાએ મોક્ષ માટે હોવાથી સમ્યજ્ઞાન એ અનંતર પ્રયોજન છે અને મોક્ષ પરંપર પ્રયોજન છે. જેમ કહ્યું છે કે –
द्वे ब्रह्मणी वेदितव्ये शब्दब्रह्म परं च यत्। शब्दब्रह्मणि निष्णातः परं ब्रह्माधिगच्छति।।
અર્થ:- બે બ્રહ્મ જાણવા; શબ્દબ્રહ્મ અને પરબ્રહ્મ (મોક્ષ). શબ્દબ્રહ્મને વિશે નિષ્ણાત થયેલો વ્યકિત પરબ્રહ્મને પામે છે.
व्याकरणात् पदसिद्धिः पदसिद्धेरर्थनिर्णयो भवति। अर्थात् तत्त्वज्ञानं तत्त्वज्ञानात् परं श्रेयः।।
અર્થ - વ્યાકરણથી પદની સિદ્ધિ થાય. પદસિદ્ધિથી અર્થનો નિર્ણય થાય. અર્થનિર્ણયથી તત્ત્વજ્ઞાન થાય અને તેનાથી મોક્ષ થાય.
તેથી સમજ્ઞાન અને મોક્ષરૂપફળને માટે આ શબ્દાનુશાસનનો પ્રારંભ છે. અહીં અભિધેય અને પ્રયોજન વચ્ચે સાધ્ય-સાધનભાવ સંબંધ છે. કેમકે સમ્યક્ શબ્દો અને તેમના જ્ઞાન કે મોક્ષરૂપ ફળ વચ્ચે કાર્ય-કારણભાવ છે તથા શબ્દાનુશાસન અને અભિધેય વચ્ચે અભિધાન-અભિધેયભાવ સંબંધ છે. કેમકે શબ્દાનુશાસન સમ્યક્ શબ્દોનું વાચક છે અને સમ્યક શબ્દો તેનાથી વાચ્યું છે. આમ સંબંધ શબ્દાનુશાસનના અભિધેય અને પ્રયોજનમાં સમાઈ જતો હોવાથી તેને અલગથી નથી બતાવ્યો.
શંકા - જેમ પ્રયોજન એ ગ્રંથ-અધ્યયનના અભિલાષને ઉત્પન્ન કરતું હોવાથી તેનું અહીં સિદ્ધિ પદ મૂકી સાક્ષાત્ કથન કર્યું છે, તેમ અભિધેય (વિષય) પણ આ વિષય ભણવો મારા માટે શક્ય છે કે નહીં?' આમ વ્યક્તિને શક્ય અનુષ્ઠાનનો બોધ થાય તે માટે હોય છે. તેથી તેનું પણ સૂત્રમાં એવો કોઇક શબ્દ મૂકી સાક્ષાત્ કથન કરવું જોઈએ. પરંતુ અહીં તેમ ન કરતા અનુવાદથી અભિધેયને જણાવ્યું છે. તો આ કેમ ચાલે?
સમાધાન - સાક્ષાત્ કથનની જેમ અનુવાદથી પણ અભિધેયનું ભાન થઇ જ શકે છે અને તેનાથી વ્યકિતને શક્ય અનુષ્ઠાનનો બોધ થઇ શકવાથી અનુવાદથી અભિધેય જણાય તેમાં કાંઇ વાંધો નથી, જેમકે - अविवक्षितवाच्यो यस्तत्र वाच्यं भवेद् ध्वनौ। अर्थान्तरे संक्रमितमत्यन्तं वा तिरस्कृतम्।। (का.प्रकाशः ४/३९)