________________
શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૨૨૭ [સર્વ જીવોને તે તે રીતે દુઃખ આપવાથી અને સર્વ જીવોનો માળાચંદન વગેરે ઉપકરણરૂપે પરિભોગ કરવાથી વૈર વગેરે સિદ્ધ છે– દરેક જીવે પોતાના સુખ માટે અપકાયને સચિત્ત પાણીને પીવા-ઉકાળવા વગેરેથી, પૃથ્વીકાયને સચિત્ત પૃથ્વીને ખેડવા વગેરેથી, તેઉકાયને અન્ન રાંધવા વગેરેથી, વાયુકાયને પંખાની હવાનો ઉપયોગ કરવા વગેરેથી, વનસ્પતિકાયને રાંધવા વગેરેથી, વિકસેંદ્રિય જીવને ખેતી આદિ આરંભસમારંભમાં મારવા વગેરેથી, પંચેંદ્રિય જીવોને માંસાહાર આદિ માટે વધ કરવાથી કે બળદ વગેરેને મારવા વગેરેથી સર્વ જીવોને દુઃખ આપ્યું છે. વ્યવહારરાશિમાં આવેલા દરેક જીવનો વ્યવહાર રાશિમાં આવેલા દરેક જીવની સાથે અનંતવાર સંબંધ થયો છે. તેમાં માળા-ચંદન વગેરે ઉપકરણરૂપે સર્વ જીવોનો પરિભોગ કર્યો છે અને તે તે રીતે દુઃખ આપ્યું છે. આથી વૈર વગેરે સિદ્ધ છે.
સર્વ જીવો પોતાના સ્વાર્થમાં જ રમે છે. એથી નિમિત્ત મળતાં જ પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ આપે છે, બીજાની સાથે વૈર-વિરોધ કરે છે. દા.ત. વૃક્ષમાં રહેલો જીવ આજે કોઈને દુ:ખ આપતો નથી, બલ્ક ઘણું સહન કરે છે. પણ એ જ જીવ પંચેંદ્રિય બને ત્યારે પોતાના સ્વાર્થ માટે બીજાને દુઃખ આપે છે. સિંહ બને તો બીજાને મારી નાખે. મનુષ્ય બને તો માછલા વગેરેને મારે. પોતાના બંધુઓ વગેરેની સાથે વૈર-વિરોધ કરે. જે બે બંધુઓમાં આજે અત્યંત પ્રેમ છે તે જ બે બંધુઓમાં સમય જતાં એક-બીજાનો સ્વાર્થ હણાય ત્યારે વૈર થાય છે, એટલું જ નહિ પણ એક-બીજાને મારી નાખે છે.
આનો અર્થ એ થયો કે જીવોમાં પોતાના સ્વાર્થના કારણે સર્વ જીવોની સાથે વૈર-વિરોધ કરવાની અને દુઃખ આપવાની વૃત્તિ પડેલી હોય છે. પણ સંયોગો ન મળવાના કારણે દબાયેલી પડી હોય છે. તેવા સંયોગો અને તેવા નિમિત્તો મળતાં જ એ વૃત્તિઓ પ્રગટ થાય છે. આથી ગ્રંથકારે કરેલી “સર્વ જીવોની સાથે વૈર વગેરે સિદ્ધ છે” એ વાત બહુ જ સુંદર છે, અને યુક્તિયુક્ત છે. અનાદિ-અનંત આ સંસારમાં આ બધું ઘટે છે. એમાં જરાય સંદેહ રાખવા જેવો નથી. આથી જ વધવૃત્તિ પણ જીવમાં અનાદિકાળથી પડેલી છે. માટે વધનિવૃત્તિ ન કરે તો વધ ન કરવા છતાં પાપ લાગે.] (૨પ૨)