________________
અનુવાદકારનું પ્રાકકથના
પિતાને પ્રતિબોધ કરી દીક્ષા ગ્રહણમાં તેમની સંમતિ લેવી અને તેમની આજીવિકાની વ્યવસ્થા કરવી. છતાં અનુમતિ ન આપે તો ભયંકર અટવીમાં સખત બીમાર થયેલ માતા-પિતાને સાજા કરવા ઔષધ લેવા માટે તેમને જંગલમાં જ છોડીને ગામમાં આવવું પડે, તેમ સંસાર અટવીમાં મોહની બીમારી ભોગવતાં માતા-પિતાને તાત્ત્વિક ઔષધ (ધર્મ)થી સાજા કરવા તેમને છોડીને પણ દીક્ષારૂપી ઔષધપ્રાપ્તિના સ્થાને ચાલ્યા આવવું. જિનપૂજા વગેરે કૃત્યો કરીને દીક્ષા લેવી.
સૂત્ર-૪ પ્રવ્રજ્યા પરિપાલન દીક્ષા લીધા પછી સંયમની સાધનામાં લીન બની જનાર સાધુ એક વર્ષમાં દેવોનાં સર્વશ્રેષ્ઠ સુખોથી પણ અધિક પ્રશમસુખ અનુભવતો થઇ જાય છે. પરંતુ આ અવસ્થામાં પહોંચવા માટે વિધિપૂર્વક અને સદ્ગુરુ પ્રત્યે બહુમાનપૂર્વક શાસ્ત્રાધ્યયન કરીને આરાધના-વિરાધનાનાં સ્થાનોનું અને તેના લાભ-નુકશાનનું જ્ઞાન મેળવવું જરૂરી છે. તથા કોઇપણ અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેની કાળજી રાખવી ઇત્યાદિ નિરૂપણ આ ચોથા સૂત્રમાં કરવામાં આવ્યું છે.
સૂત્ર-૫ પ્રવ્રજ્યાફળા સુવિશુદ્ધ પ્રવ્રજ્યાનું પરિપાલન કરવાથી નવાં કર્મોનો સંવર થવાથી અને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થવાથી આત્મા કર્મમુક્ત બનીને લોકના અગ્ર ભાગ ઉપર સાદિ-અનંત સ્થિતિમાં સ્થિર બની જાય છે, સિદ્ધિગતિમાં વિષયનિરપેક્ષ ઉપમાનીત, દુ :ખરહિત અને શાશ્વત સુખની પ્રાપ્તિ થાય છે. આ સૂત્રમાં મોક્ષના તાત્ત્વિકસ્વરૂપની શુદ્ધ તાર્કિક અને માર્મિક મીમાંસા કરવામાં આવેલી છે.