________________
૧૦.
ગામની મધ્યમાં વિશાળ જમીનના પ્લોટમાં ઉન્નત અને ઉત્તુંગ એવાં ત્રિશિખરી, ત્રણ શિખરવાળો ભવ્ય જિનપ્રાસાદ તૈયાર થઈ જતાં સંવત ૧૯૪૬માં પરમ પૂજય મૂલચંદજી મહારાજશ્રીના (શ્રી મુક્તિવિજયજી ગણિવરશ્રીના) શિષ્યરત્ન પરમ પૂજય મુનિરાજશ્રી થોભણવિજયજી મહારાજ સાહેબની શુભનિશ્રામાં વઢવાણ શહેર નિવાસી શાહ રઘુભાઈ પાનાચંદે વઢવાણ કેમ્પમાં (હાલના સુરેન્દ્રનગરમાં) આવી પોતાના નામથી કંકોતરી કાઢી દેશ પરદેશ મોકલી પ્રતિષ્ઠા મહોત્સવ ભારે આનંબંર અને ઉત્સાહપૂર્વક ઊજવ્યો હતો. પ્રતિષ્ઠાના શુભ અવસરે અનેક ગામની દસ-બાર હજાર માણસોની જનમેદની એકત્રિત થઈ હતી.
મૂળનાયક બારમા તીર્થપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવંત આદિ જિનપ્રતિમાજી પરમ પૂજય મુનિરાજ શ્રી- થોભણવિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે સંવત ૧૯૪૬ના શ્રાવણ વદિ ૧ શુક્રવાર તા.૧-૮-૧૮૯૦ના રોજ સવારના ૯ કલાક ૧૭ મિનિટ ૨૭ સેકંડે અપર્વ ઉલ્લાસથી અને ઉત્સાહથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા હતા. પ્રતિષ્ઠિત કરવામાં આવેલ પ્રતિમાજી અને પ્રતિષ્ઠા કરનાર ભાગ્યશાળીઓની નામાવલી આ પ્રમાણે છે:
મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી ભગવંત રૂ. ૧૨૦૦/ની બોલીથી શેઠ સવજી વાલજીએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. આ પ્રતિમાજી ગરવા ગિરનાર તીર્થથી લાવવામાં આવ્યા છે. જમણી બાજુના ગભારામાં શ્રી સુવિધિનાથસ્વામી રૂ. ૪૦૧/ની બોલીથી વકીલ મૂલચંદ ચતુરભાઈએ પ્રતિષ્ઠિત કર્યા હતાં. આ પ્રતિમાજી પ્રભાસપાટણ તીર્થેથી લાવવામાં આવ્યા છે. ડાબીબાજુના ગભારામાં શ્રી શાન્તિનાથ સ્વામી રૂ.૬૦૧/ની બોલીથી શેઠ લક્ષ્મીચંદ વાલજીએ પ્રતિષ્ઠિત કયાં હતાં. આ પ્રતિમાજી સ્તંભનતીર્થ ખંભાત બંદરથી લાવવામાં આવ્યા છે.