________________
પરિશિષ્ટ ૪. હાથીદાંતનાં શિલ્પ
હાથીદાંત પરનું કોતરકામ ભારતમાં ઘણા પ્રાચીનકાળથી જાણીતું હતું. હડપ્પા સભ્યતાના ખોદકામમાંથી પણ હાથીદાંત પરની કોતરણીના અનેકવિધ નમૂના મળ્યા છે.
હાથીદાંત પર કોતરણી કરનાર વર્ગને પ્રાચીનકાળમાં “દતકાર”, “દ તઘાટક” વગેરે નામે ઓળખવામાં આવતો. વાત્સ્યાયનના કામસૂત્રમાં હાથીદાંતમાંથી બનાવેલી ઢીંગલીઓ તથા રમકડાં વિશેના ઉલ્લેખો મળે છે. કાલિદાસના રઘુવંશમાં અને માઘના શિશુપાલવધમાં હાથીદાંતના પદાર્થોના ઉલ્લેખ થયા છે. બૃહત્સંહિતામાં હાથીદાંત વડે કાષ્ઠમાં જડતરકામ થતું હોવાનું જણાવ્યું છે. હરિવંશમાં હાથીદાંતને ઉપયોગ ગૃહ-સ્થાપત્યમાં થયો હોવાનું જણાવ્યું છે. હિરણ્યકશિપુનો મહેલ હાથીદાંત વડે શોભાયમાન કરેલો હોવાનું પુરાણોમાં નોંધાયું છે. વિદિશાના હાથીદાંતના કારીગરોએ સાંચીનો સ્તૂપનો દક્ષિણ તરફનો દરવાજો કોતર્યો હોવાનું ત્યાંથી પ્રાપ્ત થતા અભિલેખો દ્વારા જાણવા મળે છે. આ અને આવા ઘણા ઉલ્લેખો ભારતમાં હાથીદાંતના કોતરકામની પ્રાચીનતા પુરવાર કરે છે.
કાષ્ઠની જેમ હાથીદાંત લાંબા સમય માટે ટકાઉ પદાર્થ ન હોવાથી તેના શિ૯૫ના ઘણા પ્રાચીન નમૂનાઓ ઉપલબ્ધ થતા નથી. અહીં ભારત બહાર વિયેટનામ તથા અફઘાનિસ્તાનમાંથી ઉપલબ્ધ ભારતીય કલાના નમૂના નોંધપાત્ર છે. હાથીદાંત પર કોતરેલું એક ભારતીય શિલ્પ ભારત બહાર ચંપા (વિયેટનામ)ના પ્રાચીન નગર પમ્પીના ખોદકામમાંથી મળ્યું છે. આ નગરનો ઈસુની ૧ લી સદીમાં જવાલામુખી (વિસુવિયસ) ફાટતાં વિનાશ થયો હતો. એના ખંડેરોમાંથી આ ભારતીય શિલ્પ મળ્યું છે. દેહ પર પૂર્ણ ભારતીય ઢબને અલંકારોથી સજજ પ્રમત્ત યુવતીનું આ શિલ્પ છે. દેહ પર ધારણ કરેલ વસ્ત્ર એટલું તો બારીક છે કે પગની આંટી પાડીને ઊભેલો તેનો નારીદેહ સંપૂર્ણ નગ્ન સ્વરૂપે ઊપસી આવે છે. પૂર્ણ વિકસિત નયને, ગૌર મુખ પર વિલસતું હાસ્ય અને ઉન્નત અર્ધગોળાકાર સ્તન તેના નારીસીંદર્યમાં વધારો કરે છે. તેણે કમર પર ભારે કટિમેખલા ધારણ કરી છે. હાથ પર ધારણ કરેલી વલયપંકિત, પગમાં ધારણ કરેલ કલ્લાની પંકિત સાથે સમતુલા સાધે છે. તેને ડાબો હાથ કાનન કુંડળને સ્પર્શે છે અને જમણા હાથ વડે મસ્તક પર આવેલ ઓઢણીને તે યથાસ્થાને ગોઠવવા પ્રયત્ન કરે છે. આ નારીની બન્ને બાજુએ એક એક નારીનું નાનું શિલ્પ કંકારેલું છે.