________________
- બહુશ્રુત વિદ્વાન અને સંશોધક :
શ્રી ભોગીલાલ સાંડેસરા
-
કુમારપાળ દેસાઈ
પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનું નામ અને કામ દેશ તથા પરદેશોમાં જૈનધર્મ, સંસ્કૃતિ, વિચારધારાના પ્રસાર સાથે વર્ષોથી જોડાયેલ રહ્યું છે. સાહિત્યના વિવેચન, સંશોધન, પત્રકારત્વ, સંપાદન, ચરિત્રલેખન, બાળસાહિત્ય જેવા અનેક ક્ષેત્રોમાં તેઓનું નોંધપાત્ર પ્રદાન છે. તેઓની પાસેથી શ્રી ભોગીલાલ સાંડેસરાના સંશોધન ક્ષેત્રના નોંધપાત્ર પ્રદાન અંગે આ અભ્યાસપૂર્ણ લેખ આપણને પ્રાપ્ત થાય છે – સં.]
અજ્ઞાત હસ્તપ્રતો અને કઠિન ગ્રંથો પર નવીન પ્રકાશ પાડનાર સંશોધકનું જીવન ક્વચિત્ અજાણ્યું રહેતું હોય છે. ધૂળધોયાની નિષ્ઠા, ચોકસાઈભર્યો અભ્યાસ અને સરસ્વતીની એકનિષ્ઠ ઉપાસના ધરાવતું સંશોધકનું જીવન ખરેખર સ-રસ હોય છે. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતના ભાષા અને સાહિત્ય, તેમ જ ઇતિહાસ અને સંસ્કૃતિના વ્યુત્પન વિદ્વાન શ્રી ભોગીલાલ સાંડેસરાના સંશોધનકાર્ય જેટલું જ એમનું જીવન સમૃદ્ધ હતું.
એમનો જન્મ ઈ. સ. ૧૯૧૭માં પાટણમાં એક પરમ વૈષ્ણવ અને ધાર્મિક કુટુંબમાં થયો. એમના પિતાશ્રી જયચંદભાઈ ઈશ્વરદાસ સાંડેસરા અમદાવાદમાં વેપાર ખેડતા હતા. એ સમયે અમદાવાદ શહેર સૂતર, રેશમ અને કસબ એમ ત્રણ તાર પર જીવતું કહેવાતું. શ્રી જયચંદભાઈ અમદાવાદમાં રેશમનો વેપાર કરતા હતા. એમનાં પત્ની મહાલક્ષ્મીબહેન ઘરની પૂરી સંભાળ રાખતાં હતાં, આથી શ્રી ભોગીલાલભાઈના અભ્યાસનો પ્રારંભ અમદાવાદમાં થયો. બાળપોથીથી બીજી ગુજરાતી સુધીનો અભ્યાસ એમણે અમદાવાદમાં કર્યો.
હજી માત્ર આઠ વર્ષની ઉમર હતી ત્યારે ભોગીલાલભાઈએ જીવનની શીળી. છત્રછાયા ગુમાવી. એમના પિતાનું અવસાન થયું. ઘરનો વહીવટ અને વ્યવસ્થા એમનાં ફોઈબા કાશીબહેને સંભાળ્યાં. તેમને તથા નાના ભાઈ ઉપેન્દ્રભાઈને પિતાની ખોટ સાલવા દીધી નહિ. કુટુંબ વતન પાટણમાં રહેવા આવ્યું. એમનો અભ્યાસ અવિરતપણે ચાલુ રહ્યો. પાટણમાં પહેલાં સરકારી નિશાળમાં ભણ્યા. પછી પાટણ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો.
પાત ઃ ૧૮મી અને ૨૧મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો