________________
પાંચમા વસે શાળામાં દાખલ કર્યાં. ભણવામાં અત્યંત તેજસ્વી હતા. ત્રીજા ધોરણમાં આવ્યા ત્યારે અચાનક પિતાજીનું સામાન્ય માંદગીમાં મૃત્યુ થયું. પિતા સો રૂપિયાની મૂડી મૂકી ગયા. કારજમાં અઢીસો રૂ.નું દેવું થયું, માએ પોતાના બધા દાગીના વેચી દેવું ચૂક્ત કર્યું. મા પારકા કામ કરી સંતાનોને ઉછેરવા લાગી. ધી૨જભાઈને બે નાની બહેનો હતી, ઝવેરી અને શાંતા. પણ બંને બહેનો પરણાવ્યા પછી થોડા સમયમાં અવસાન પામી હતી. માએ જેમતેમ ધીરજભાઈને છઠ્ઠા ધોરણ સુધી ભણાવ્યા પણ આગળ ભણવા બહારગામ મોકલવા પડે તે માટે મા પાસે જોગવાઈ પણ ન હતી અને એકના એક દીકરાને મોકલવા માનો જીવ પણ ચાલતો ન હતો.
પિતાના મિત્ર શ્રી અમૃતલાલ ગોવિંદજી રાવલ અમદાવાદમાં મિલમાં નોકરી કરતા હતા. તેઓ એક વાર દાણાવાડા આવ્યા હતા. તેમણે જોયું કે છોકરો ભણવામાં હોશિયાર છે. આગળ ભણશે તો કુટુંબ અને ગામનું નામ રોશન કરશે. ગામની શાળામાં ઉપલા ધોરણ નથી. અમૃતલાલભાઈ માને મળવા ઘરે આવ્યા. તેમણે માને કહ્યું દીકરાનું ભવિષ્ય સુધારવું હોય તો દીકરાને અમદાવાદ ભણવા મોકલ. તમારે પૈસાની ફીકર કરવાની નથી. અમદાવાદમાં જૈન બાળકો માટે છાત્રાલય ખુલ્યું છે. રહેવાનું, ખાવાનું અને ભણવાનું બધું જ મફત છે.
મા કચવાતા મને રડતાં રડતાં એકના એક દીકરાને અમદાવાદ શેઠ શ્રી ચીમનલાલ નગીનદાસ છાત્રાલયમાં મુકી આવે છે. છાત્રાલયમાં ધીરજભાઈનો ઘણો જ વિકાસ થયો. ભણતર સાથે વ્યાયામ, સંગીત, ધાર્મિક શિક્ષણ વગેરે આપવામાં આવતું હતું. પોતે વક્તૃત્વ આદિ અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. છેલ્લા વરસમાં તેઓ વક્તૃત્વ સભાના પ્રમુખ થયા હતા. તેને કારણે ધીરજભાઈનું ધાર્મિક પંડિતો, સાહિત્યકારો, રાજકીય આગેવાન કાર્યકરોના સંપર્કમાં આવવાનું થતું. વાંચનનો શોખ ઘણો જ હતો. એક વાર વાંચેલું ક્યારેય પણ ભૂલતા નહિ. છાત્રાલયમાં હતા ત્યારે ટ્યૂશન કરતા, ૧૫ રૂ. મળતા જે માને મોકલાવી દેતા.
સન ૧૯૨૪નાં તેઓ ગૂજરાત વિદ્યાપીઠ તરફથી લેવાયેલી વિનીત પરીક્ષામાં બીજે નંબરે પાસ થયા. વિનીત મેટ્રિકની સમકક્ષ હતી. હવે આગળ ભણવા કે રહેવા માટે છાત્રાલયમાં અનુમતી હતી નહિ. આવકનું સાધન પણ ન હતું. હવે માતાથી બહારનાં કામો પણ થતાં નહિ. ગૂજરાત વિદ્યાપીઠમાં આગળ ભણવા દાખલ થયા પણ પૈસાના અભાવના કારણે અભ્યાસ અધૂરો મૂકી દેવો પડ્યો.
ધંધો કરવાની આવડત ન હતી. હવે શું કરવું. ચિત્રકામની ફાવટ સારી હતી. ૫૦ રૂપિયાના પગારમાં પહેલા પ્રસિદ્ધ પોટ્રેટ પેંટર શ્રી નાનાલાલ જાની પાસે, પછી શ્રી રવિશંકર રાવલ પાસે નોકરીમાં રહ્યા. એક જ ટાઈમ જમતા. એક ટાઈમ જમવાનાં પૈસા બચતા તેમાંથી પુસ્તકો ખરીદી પોતાની વાંચનની ભૂખ સંતોષતા. પછી પોતે પોતાની રીતે પોટ્રેટ અને છબીઓ બનાવવા લાગ્યા. મહિને ૩૦૦ રૂ.થી ૪૦૦ કમાવવા લાગ્યા. માતાને અને બહેનોને અમદાવાદ બોલાવી લીધા.
૪૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો