________________
ભાગોનો અનુવાદ કર્યો. તેમણે શ્વેતાંબર આગમોનો ઊંડો અભ્યાસ કરીને એ અંગેનો અંગ્રેજી અનુવાદ ઈન્ડિયન એન્ટિક્વરીનાં વોલ્યુમ ૧૭થી ૨૧માં પ્રગટ કર્યા. એમનાથી પ્રેરાઈને – હર્મન યાકોબી, લોટામન, કલાટ, બુહલર, હોર્નલે, અને વિન્ડશે વિવિધ જૈન ગ્રંથો વિશે સંશોધન કરવા માંડ્યું. તે જ રીતે રાઈસ, રુલ્સ, કલ્પોર્ન, પીટર્સન, ફર્ગ્યુસન, અને બર્જેસે જૈન સંપ્રદાયના હસ્તલિખિત પ્રતોના, શિલાલેખોના અને મંદિરોનાં સંશોધનો કરવા માંડ્યાં.
હર્મન યાકોબીનું પ્રદાન અમૂલ્ય છે. તેમણે સાબિત કરી આપ્યું કે જેને અને બૌદ્ધ એ બંને એકબીજાથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર ધર્મ છે અને મહાવીર તથા ગૌતમબુદ્ધ એ બે સમકાલીન ભિન્ન મહાપુરુષો હતા.
શાસ્ત્ર-વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિજય ધર્મસૂરીશ્વરજી મ.સા. કાશીવાળા તથા કેટલાકને શ્રી વીરચંદભાઈ ગાંધીએ રસ લેતા કર્યા હતા. સર્વ વિદેશી વિદ્વાનોમાં જેન સાહિત્યની ઉત્તમોત્તમ સેવા ડૉ. હર્મન યાકોબીએ કરી છે – જેમણે મોટા ભાગનાં જૈન શાસ્ત્રગ્રંથોનો ઊંડાણપૂર્વક અભ્યાસ તથા અનુવાદ કર્યો છે.
આટલી પ્રારંભિક વાત પછી આપણે મૂળ વાત પર આવીએ.
આજથી લગભગ એકસો ઓગણ પચાસ વર્ષ પૂર્વે, લગભગ દોઢ સૈકા પહેલા, પ્રાચીન અને ઐતિહાસિક મહુવા નગરી જેના નામ સાથે જાવડશા-ભાવડશાગડુશાહનાં નામ જોડાયેલ છે, હિંદુ ભજનોના રચયિતા મુસ્લિમ સંત વલી તથા સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રાગજી ભગત જેના પનોતા પુત્ર હતા, જેનાં લોકો સુખી, સંતોષી અને ધર્મપ્રેમી હતા અને સમાજ રૂઢિ અને માન્યતાબદ્ધ હતા. તે સમયે મહુવામાં એક સચ્ચરિત – ધર્મપ્રિય – સુશ્રાવક અને સમાજસુધારક શ્રી રાઘવજીભાઈ ગાંધી વસતા હતા. તેમનો વ્યવસાય મોતીનો હતો, પણ સચ્ચાઈ તેમનાં હરેક રૂંવાડે હતી. તેમને મરવા પાછળ રડવા-કૂટવાનો રિવાજ અયોગ્ય લાગતાં તેને તિલાંજલિ આપી હતી. ધર્મના સિદ્ધાંતોના પાલનમાં તેઓ ચુસ્ત હતા. સચિત વસ્તુઓનો એમને આજીવન ત્યાગ હતો. હંમેશાં મળેલું પાણી જ વાપરતા. એમનાં ધર્મપત્ની પણ સંસ્કારી અને ધર્મમય હતાં. વિ. સં. ૧૯૨૦ના શ્રાવણ વદી આઠમ ઈ. સ. ૧૮૬૪ના ઓગસ્ટની ૨૫મી તારીખે – શુભદિને સુશ્રાવિકા માનબાઈએ વીરપુત્ર – તેજસ્વી બાળક શ્રી વીરચંદભાઈ ગાંધીને જન્મ આપ્યો.
એ સમયે મહુવામાં ફક્ત પ્રાથમિક શિક્ષણની સુવિધા ઉપલબ્ધ હતી. શ્રી વીરચંદભાઈમાં તીવ્ર યાદશક્તિ તથા અદ્દભુત જ્ઞાનપીપાસા હતાં. વ્યવહારિક શિક્ષણ માટે જેમ શાળામાં જતાં, તે જ રીતે ધાર્મિક શિક્ષણ માટે નિયમીત પાઠશાળામાં જતા. જન્મજાત તેમ જ પૂર્વભવના ઉચ્ચ સંસ્કારના હિસાબે ધર્મ પ્રત્યે અગાઢ રુચિ હોવાના કારણે તેઓ વ્યાખ્યાન શ્રવણ માટે નિયમિત ઉપાશ્રયમા પણ જતા. આઠ વર્ષની વયે ઉપાશ્રયની ભીંત પર દોરાયેલ મધુબિંદુનું ચિત્ર એમની સ્મૃતિમાં એવું જડાઈ ગયું કે અમેરિકામાં પ્રવચન આપતી વખતે એનો ઉલ્લેખ કરતા હતા અને એ ચિત્રનો મર્મ સમજાવતા હતા.
શાસનરક્ષક શ્રી વીરચંદ રાઘવજી ગાંધી + ૩૧૫