________________
તેમના દ્વારા રચાયેલ ચોવીશીમાં પણ ભક્તિસભર પ્રાર્થના, આત્મનિવેદન, સેવા શુશ્રુષા, કીર્તન અને પ્રભુ સામે આજીજી અને પોતાની અકિંચનતા વ્યક્ત કરીને પ્રભુ પાસેનો ઉત્તમોત્તમ સમભાવ,આશિષ, પરદુઃખભંજનતા વગેરે સદ્ગણો પોતાનામાં આવે અને પોતે તથા પોતાના આપ્તજનો, અનુયાયીઓના જીવન ઉન્નત બને તેવી ભાવના જોવા મળે છે. પ્રભુને ભવરોગના વૈદ્ય જણાવ્યા છે.
બાળકની તોફાની ચેષ્ટા સામે માતાનું સ્નેહ મમતાભર્યું વહાલ પોતાને પ્રાપ્ત થાય, પોતે દીનહીન તપરહિત અર્થાત્ તપમાં કષ્ટ પડે તેથી પીછેહઠ કરી છે તો પોતાનું શું થશે? એ ભાવ પણ નજરે ચઢે છે. આમ, આવા પોતાનામાં રહેલા અવગુણોને દરગુજર કરી મને એટલે કે જીવને સદ્દગુણો મેળવવાની તાલાવેલી નરે પડે છે આમ દરેક તીર્થકરનાં સ્તવનોમાં વિવિધ ભાવના, પ્રાર્થના, પોતાની નિર્બળતા, અસહાયતા વ્યક્ત કરીને અને પોતે આ અફટ વિશ્વમાં એકલો અટૂલો પડેલ છે, એમ પોતાને અધમાધમ જીવ તરીકે પ્રસ્થાપિત કરી જીવમાત્રનું શ્રેયપ્રેયની વાંચ્છના અભિસેવી છે. દરેક સ્તવનમાં શબ્દ પસંદગી વર્ણ પ્રયોજન જેતે ભાવને પ્રગટ કરે છે અને એક ઉચ્ચ કોટિના કવિ તરીકે પ્રસ્થાપિત કરે છે, એ કહેવાની કાંઈ આવશ્યકતા જણાય તેમ નથી.
શ્રી સિદ્ધાચલ સ્તવનમાં સિદ્ધક્ષેત્ર શત્રુંજય પર્વતના ગુણગાનની નોંધ લેવા વાચકનું મન લાલાયિત થયા વિના રહી શકે જ નહિ. સિધ્ધાચલને વિમલાચલનગનાથ વગેરે વિશેષણો વડે તેનું માહાત્મ, રમ્યતા, આકર્ષણ અને પરમાનંદદાયક છે એવું વર્ણન જોવા મળે છે. સદર સિદ્ધાચલની યાત્રાએ વિવિધ સ્થાનોમાંથી સંઘયાત્રા નીકળી ભક્તિસભર ભાવના સાથે આવે છે. પોતાનામાં આ યાત્રાથી જે અહોભાવ જન્મે છે તે તો અવર્ણનીય છે. તદુપરાંત સિદ્ધાચલ સ્થિત આદિનાથ ભગવાનના દ્વારે આવનાર પ્રત્યેકને અનેકવિધ ભક્તિદાન, જ્ઞાનદાન, વૈભવ, તપનિશ્ચયદાન પ્રાપ્ત કરે તેવી પ્રાર્થના કરેલી છે. આદિનાથને સૂર્યસમાન મોહાંધકારવિનાશી અને જ્ઞાનપ્રકાશ પાથરનાર, આઠ પ્રકારનાં બંધનમાં બંધાયેલા પોતાને (જીવન) ક્ષણવારમાં તોડી નાખનાર કહ્યા છે. બાહ્યશત્રુ ઉપરાંત આંતરશત્રુઓને નિવારી શત્રુરહિત કરવા પોતે ૯૯ એટલે કે અનેક યાત્રા કરી આ અંતઃકરણપૂર્વકની પ્રાર્થના સ્વીકારી આત્મસંદેશ કરવા વિનંતી કરેલ છે. આ સંસારમાંથી છટકવાની કોઈ બારી નથી, સિવાય તમારું શરણ.
રક્ષા અજીતચંદ્ર ઉપાધ્યાય ૬૨૪, શરદનગર, તરસાલી રોડ, વડોદરા