________________
ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી
(પ્રસિદ્ધ નામઃ શ્રી આત્મારામજી મહારાજ)
હર્ષદ શાહ
[બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયા પછી શ્રી હર્ષદભાઈ ભાવનગરની શ્રી
આત્માનંદ જૈન સભામાં પોતાની સેવાઓ આપે છે. સાહિત્યનું વાંચન, સંપાદન, લેખન એ તેમનો શોખનો વિષય છે. પ્રસ્તુત લેખમાં તેઓશ્રીએ પૂ. શ્રી આત્મારામજી મહારાજ સાહેબના જીવન અને તેમની કેટલીક કૃતિઓ વિશે અભ્યાસપૂર્ણ માહિતી રજૂ કરી છે. – સંપાદક]
–
જ્યારેજ્યારે પ્રજામાં ધાર્મિક તેમ જ નૈતિક નિશ્ચેતનતા પ્રગટે છે ત્યારેત્યારે તેમનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરુષ જન્મ ધારણ કરે છે, તેમ સ્વર્ગવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જૈન પ્રજામાં અનેક રીતે પ્રાણ પૂર્યાં હતા. ભારતમાં મોગલ શહેનશાહત અસ્તવ્યસ્ત થયા પછી લગભગ સો વર્ષનો સમય જીવનના દરેક ક્ષેત્રમાં અંધાધૂંધીનો હતો. લોકોમાં અજ્ઞાનતા, વહેમ, અંધશ્રદ્ધા, કુસંપ વગેરે દુર્ગુણો પ્રસરી ગયા હતા, પરંતુ વિદેશી અંગ્રેજોએ પોતાની રાજ્યસત્તા સ્થિર કર્યાં પછી સદ્ભાગ્યે નવી આશા અને અપેક્ષા સાથે નવીન પ્રકાશનો ઉદય થયો અને લોકોના પુનઃ નિર્માણના શ્રીગણેશ મંડાયા. એ વખતે હિંદુઓમાં પુનઃ નિર્માણના વિધાતાઓમાં જેમ રાજા રામમોહનરાય, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ સરસ્વતી જેવા મોખરે હતા, તેમ જૈનોમાં ન્યાયામ્ભોનિધિ આચાર્યશ્રી વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ પણ અગ્રસ્થાને રહ્યા.
તે કાળે જૈન શાસન છિન્નભિન્ન હતું. એક તરફ યતિવર્ગ, બીજી તરફ સંવેગી સાધુ વર્ગ અને ત્રીજી તરફ સ્થાનકવાસી સંપ્રદાય. કુસંપ, શિથિલાચાર અને શાસ્ત્રોના અવળા વિચાર-આચારના ગોથામાં જૈન જનતા ગબડચા કરતી હતી. આ બધું જોઈને આત્મારામજીનો આત્મા કકળી ઊઠ્યો અને તેમણે, પોતાને જે સત્ય જણાયું હતું, જે શાસ્ત્ર શાસનને સંપૂર્ણ માન્ય હતું તેનો ઉદ્ધાર કરવા કમર કસી અને એ ઉદ્ધારની યોજનામાં એમનું જીવન ખર્ચાઈ ગયું અને ઘણે અંશે તે કાળે તો તેમનો ઉદ્દેશ સફળ પણ થઈ રહ્યો.
આચાર્ય વિજ્યાનંદસૂરિનો જન્મ અનેક સંત-મહંતોથી પવિત્ર થયેલી, અનેક ધર્મવી૨ અને કર્મવીર યોદ્ધાઓથી પ્રસિદ્ધ થયેલી પંજાબની વીરભૂમિમાં લહેરા નામના
ન્યાયામ્ભોનિધિ શ્રી વિજયાનંદસૂરિજી + ૨૮૫