________________
એક સાહિત્યકાર તરીકે વિશિષ્ટ ગુણો
(૧) શ્રી રમણભાઈનું સમગ્ર જીવન સાહિત્યને જ સમર્પિત હતું. એવું લાગે કે તેમણે સાહિત્યનો ભેખ લીધો હતો. એમનો વ્યવસાય અધ્યાપકનો હતો, તેમની જીવનની પ્રવૃત્તિઓ સાહિત્યને લગતી જ હતી. જેમ કે તેઓ પ્રબુદ્ધજીવનના તંત્રી હતા, જેન યુવક સંઘના પ્રમુખ હતા. વ્યાખ્યાનમાળાના સમીક્ષક હતા. જેન સાહિત્ય સમારોહના પ્રમુખ હતા. આમ તેમનું સમગ્ર જીવન સાહિત્યમય જ હતું. તેમના દેશવિદેશના પ્રવાસો પણ સાહિત્યના પ્રસાર-પ્રચાર માટે જ હતા.
(૨) તેઓ અનેકમુખી સાહિત્યપ્રતિભા ધરાવનાર હતા. તેઓ સંશોધક હતા, વિવેચક હતા, સંપાદક હતા, લેખક હતા, તત્ત્વજ્ઞાની હતા, પ્રકીર્ણક હતા. એકાંકી લખતા, ચારિત્રો પણ આલેખતા, અને પ્રવાસોની માહિતી પણ આપતા. તેઓ બહુશ્રુત વિદ્વાન હતા.
(૩) તેઓ પોતે જૈન હતા અને જૈન ધર્મના ઊંડા અભ્યાસી હતા. પોતે રિટાયર્ડ થયા પછી રોજના સાતથી આઠ સામાયિક કરતા. પોતાનાથી કે બીજાથી ક્યાંય ઉત્સુત્ર પ્રરૂપણા ન થાય તેનું ખૂબ ધ્યાન રાખતા. પર્યુષણ વ્યાખ્યાનમાળામાં સમીક્ષક તરીકે આ બાબતનું ખૂબ ધ્યાન રાખતા. એક વાર એક વિદ્વાન વક્તાએ ઘાતી-અઘાતી કર્મોના નામ બોલવામાં ભૂલ કરી તો તેમણે નિઃસંકોચ તેમની ભૂલ તરફ ધ્યાન દોર્યું. જૈન ધર્મના સૂત્રોનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનો તેઓ વિરોધ કરતા. તેઓ કહેતા કે ડૉક્ટર કે એન્જિનિયર થવા મહેનત કરો છો તો આ ભણવું હોય તો તેના માટે ગુજરાતી શીખો, સંસ્કૃત ભણો. એક વક્તાએ ‘સર્વધર્મ સમભાવની વાત કરી ત્યારે તેમણે ટકોર કરી કે “સોનાને જ સોનું કહેવાય બધાને સોનું ન કહેવાય.
(૪) તેઓ જૈન શિક્ષણસંઘ' આયોજીત વખ્તત્વ સ્પર્ધામાં જજ તરીકે આવતા ત્યારે હરિફાઈ દરમિયાન તે દરેક મુદ્દા નોટ કરતાં. હરિફાઈનું પરિણામ જાહેર કરતા પહેલા વક્તાઓને ઉપયોગી થાય તેવી માહિતીની અત્યંત સૂક્ષ્મ છણાવટ કરતા. વક્તાઓને ઉપયોગી થાય, તેનું વક્તવ્ય ઉત્તમ કોટિનું બને એ માટેની સમજણ આપતા. સાહિત્ય સમારોહમાં પણ તેમણે સમારોહના અંતે કરેલી સમીક્ષા વક્તાઓને વિશિષ્ટ માર્ગદર્શન આપતી.
રમણભાઈ વિશે જેટલું લખીએ અલ્પ જ હોવાનું છે. તેમના વિશે આ જે માહિતી આપી તે સાગરમાંથી ગાગર જેટલી જ માહિતી છે.
આવા શાસ્ત્રજ્ઞ, પ્રેમાળ અધ્યાપક, હિતેચ્છુ એવા મહાન સાહિત્યકારની વિદાયથી સાહિત્યજગતને, જૈનધર્મને, અધ્યાપન જગતને મોટી ખોટ પડી છે.
સાહિત્યકાર શ્રી રમણભાઈ ચી. શાહ + ૨૩૩