________________
સૂત્રો, સ્તોત્રો અને અનેક શાસ્ત્રોનું, ગીતાના શબ્દ, અર્થ અને ભાવાર્થનું જ્ઞાન. ઘણું બધું કંઠસ્થ.
વિષયના દરેક પાસાં પર ચિંતન કરતા અને તેને આત્મસાત કરતા. તેમની ટિપ્પણો અદ્વિતીય, સરળ અને માર્મિક હતી. કોઈ પણ વિષય પરની વાત સંક્ષિપ્ત હોય. ચર્ચા નહીંવત્, કદાગ્રહ ક્યારેય નહીં.
પૂ. બાપુજી કહેતા : આપણા અસ્તિત્વનાં ત્રણ પાસાં છે : તન, મન અને ધન. મન સૌથી વ્યાપક છે. પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે આપણે સૌથી વધારે સમય અને શક્તિ ધનના ક્ષેત્ર ઉપર ત્યાર પછી તન ઉપર અને ઓછામાં ઓછો સમય મન પાછળ આપીએ છીએ.
પૂજ્ય બાપુજી રોજ જિનેશ્વર ભગવાનની પૂજા કરતા. પૂજા ઘણી જ શાંતિથી કરતાં, સારગર્ભિત એવા ચૈતન્યવંદન અને સ્તવન જ ગાતા. તેઓશ્રી રોજ સામાયિક કરતા. નવરાશના સમયમાં પણ સામાયિક કરતા. શ્રી ચીમનભાઈ ચકુભાઈ શાહનો દાખલો આપતા કે રોજ એક સામાયિક કરવાના નિયમને કારણે તેઓ આટલા મોટા વકીલ, સમાજસેવક અને સાહિત્યકાર બની શક્યા હતા.
રોજ સવારસાંજ નવસ્મરણના પાઠ અને ગુરુદેવ વિજયધર્મસૂરિની પૂજા, જાપ, આરતી, ઈત્યાદિ કરતા. આ બધું અર્થપૂર્ણ રીતે અને પરમ ભક્તિભાવથી કરતા હતા. નિયમોનું શાંતિપૂર્ણ અનુશાસન કરતા, તેમના નિયમોમાં કદીય ચૂક નથી આવી. છેલ્લા મહિનાઓમાં અસ્વસ્થ હોવા છતાં યથાશક્તિ નિયમો પાળતા. તેઓ ભારપૂર્વક કહેતા કે, “એવા અને એટલા નિયમો ન રાખો જેથી તમને કે અન્યોને તે નિયમો ભારસ્વરૂપ લાગવા માંડે.”
પર્યુષણમાં ઉપવાસ ઉપરાંત દરરોજ આઠ સામાયિક કરતા. આખો દિવસ મૌન રાખતા, સામાયિકમાં નવકારનો જાપ, પૂ. વૃદ્ધિચંદ્રજી મહારાજ સાહેબ, પૂ. આનંદઘનજી મ.સા., પૂ. યશોવિજયજી મહારાજ રચિત સઝાય, સ્તવનનો સ્વાધ્યાય કરતા. ધ્યાન કરતા. સંવત્સરીના દિવસે ઉપાશ્રયમાં કલ્પસૂત્ર સાંભળતા અને ઘરે પણ વાંચતા. ઘણાં વર્ષોથી સમગ્ર પરિવાર સાથે સવાર સાંજ પ્રતિક્રમણ કરતા.
પૂ. બાપુજીએ કરોડો નવકાર જાપ કર્યા. ૧૫-૨૦ વર્ષથી રોજ યશોવિજયજી રચિત જ્ઞાનસાર, તત્ત્વાર્થસૂત્ર અને યોગસારનો સ્વાધ્યાય કરતા.