________________
સુણાવી રહ્યા છે. વર્ષોથી સાહિત્યની એકધારી સાધના દ્વારા તેઓની સર્વતોમુખી પ્રતિભાએ સાહિત્ય જગતમાં અદ્ભુત ચમત્કાર સર્જ્યો છે. ઐતિહાસિક વાર્તાલેખક તરીકે અસાધારણ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તેમની ભાષામાં શિષ્ટતા, સૌંદર્ય અને શાલીનતા જોવા મળે છે તો શબ્દોમાં માધુર્ય જોવા મળે છે. તેમની શૈલી ગાંભીર્યપૂર્ણ પ્રૌઢ તથા તેજસ્વી છે. તેઓ પાત્રને જીવંત કરવાની મહત્ત્વની સિદ્ધિ ધરાવતા હોવાને કારણે નવલકથાકારોમાં સર્વ પ્રથમ પંક્તિના કથાકાર તરીકે સહૃદય વિદ્વાનોએ સત્કાર્યા છે.
ભગવાન મહાવીરના ભક્ત શ્રેણિક રાજા મગધમાં સત્તા પર હતા તે પછી કોણિક, ઉદાયી, નંદવંશ સત્તા પર આવ્યા. શ્રેણિકની પાટનગર રાજગૃહી હતી તે કોણિકે ચંપાનગરી કરી, ઉદાયીએ પાટલીપુત્ર કરી તે નંદવંશમાં પણ ટકી રહી. નવમા નંદ ધનનંદના મહાઅમાત્ય ૫રમાર્હત શ્રી શકટાલ મંત્રીશ્વરના પુત્ર ભગવાન શ્રી સ્થૂલભદ્ર તથા મગધ સામ્રાજ્યની રાજનર્તકી રૂપ અને કલાના ભંડાર સમી રૂપકોશાના જીવનપ્રસંગોનું અદ્ભુત આલેખન ધામીજીએ પોતાની ચમત્કારિક શૈલીમાં અદ્ભુત રીતે કર્યું છે. શૃંગાર, અદ્ભુત, શૌર્ય, શાંત તથા વૈરાગ્ય રસના ઝરણાઓ કલકલ નિનાદ કરતાં આ કથામાં વહી રહ્યા છે. ઓજસ્વી શૈલીએ સુમધુર ભાષામાં અને અસાધારણ કાવ્યમય ગદ્ય દ્વારા તેઓએ ગૂંથણી કરી વાંચકોને બરાબર જકડી રાખ્યા છે. તે કાળના ઇતિહાસનું ભવ્ય આલેખન જૈન, બૌદ્ધ તથા વૈદિક સાહિત્યનું પરિશીલન કરીને કર્યું છે.
કથાના પાત્રોનાં જીવનમાં આવતી સુખ-દુઃખની ઘટનાઓનું સંવેદન આપણને થતું હોય તેવું લાગે છે. સ્થૂલિભદ્રજી અને કોશાના વિલાસ, કલા તથા વૈભવોનું આલેખન જેવી સુંદર રીતે કર્યું છે તે જ રીતે સ્થૂલભદ્રના જીવનના મંગલ પરિવર્તનને પણ વર્ણવ્યું છે. તેમણે જે રીતે પ્રેમને છોડી શ્રેયના માર્ગે પ્રયાણ કર્યું તેનું આલેખન પણ કેટકેટલું વેધક, સચોટ અને સર્વાંગસુંદર તેઓ આ ગ્રંથમાં આલેખે છે. આ ગ્રંથના પાત્રો પુણ્યપુરુષ શ્રી સ્થૂલભદ્રજી, મહામાત્ય શ્રી શકટાલ, રૂપકોશા, સુકેતુ, વરચિ વગેરે મુખ્ય પાત્રોનું તેમ જ પ્રાસંગિક પાત્રોનું જે રીતે ઘડતર થયું છે તેમાં તેઓની કલા અને સાધનાનો વિકાસ પરાકાષ્ઠાએ પહોંચે છે. સ્થૂલિભદ્રજી જીવનના યૌવનકાળે વિલાસના બંધનમાં જે રીતે ઝકડાય છે તે પ્રસંગને સ્પર્શીને કથાનો વિકાસ અને અંતે મુક્તિપંથના યાત્રી બની, જે રીતે બંધનથી મુક્ત બની મંગલ માર્ગે પ્રયાણ કરે છે તે સુંદર રીતે આલેખાયું છે.
પ્રથમ સ્થૂલિભદ્રજીનું સંયમ માર્ગે પ્રયાણ, સુકેતુ સેનાધ્યક્ષનું રૂપકોશાના આવાસમાં આગમન, રૂપકોશાની કલાસિદ્ધિ, શ્રમણ સ્થૂલિભદ્રનું કોશાને ત્યાં ચાતુર્માંસાર્થે પુનરાગમન, રૂપકોશાને પ્રતિબોધ વગેરે પ્રસંગોના વર્ણનમાં ભાષાનો ભવ્ય વૈભવ અને શબ્દોને સંજીવની આપવાની નૈસર્ગિક શક્તિ નજરે પડે છે. વળી મહામાત્ય શકટાલના વ્યક્તિત્વને લેખકે વિકસાવ્યું છે તે ખરેખર શકટાલ જેવા
૧૫૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો