________________
રીતે સર્વ ધર્મો એક જ ઈશ્વરમાં લય પામે છે. તેઓ કહેતા કે સર્વ માર્ગોને ગુજરાતના પુનરુદ્ધારની ટોચે લઈ જાઓ, અને સર્વ વ્યક્તિગત સિદ્ધિઓનો ફૂલહાર ગૂંથીને મા ગુજરાતને કંઠે આરોપો. ગુજરાત પ્રત્યેનો ગુરુ કુમારદેવનો અનુરાગ દેખાઈ આવે છે. અને ગુજરાતનાં પુનરુદ્ધારનું બીજ વસ્તુપાળ અને તેજપાળમાં જે રોપાઈ ગયું હતું તેને ખાતર-પાણી મળવા લાગે છે.
આ બાળકોને શૈવપંથી ગુરુ કુમારદેવ જૈન મુનિ હરિભદ્રસૂરિ પાસે વંદન કરાવવા લઈ આવે છે. અને બાળકોની ઓળખાણ આપતા કહે છે કે આ બાળકોનાં માતા કુંઅરબાઈ અને પિતા આસરાજ જેમનો મેળાપ આપે કરાવ્યો હતો. તે વખતે શૈવ અને જૈનમાં ઘણા જ ભેદ હતા, વેરઝેર હતા, તેઓ એકબીજાના કટ્ટર દુશમનો હતા. તે વખતનાં બંનેના સંવાદનું ભાવવાહી વર્ણન કરતા મેઘાણીએ સર્વધર્મ સમભાવની ભાવનાનું સમર્થન કર્યું છે. આ સંજોગોમાં ગુરુ કુમારદેવ અને જૈન મુનિ એકબીજાને સન્માન આપે છે. દિલથી વંદન કરે છે. ક્ષમા માંગે છે. અને જ્યારે મુનિ હરિભદ્રસૂરિ કાળધર્મ પામે છે ત્યારે તેમનો મૃતદેહ અશ્રુભરી આંખોવાળા કુમારદેવના જનોઈધારી ખંભા પર ટેકવાય છે. જાણે કે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું.’ આ ગીતની અનુભૂતિ થાય છે. રાજનીતિમાં જૈનમુનિની સલાહ:
ફક્ત ધર્મ – અધ્યાત્મ બાબતે જ નહિ, પરંતુ જિંદગીના કપરા સમયમાં કે રાજનીતિના આટાપાટા વચ્ચે વ્યવહાર શું સાચો હોવો જોઈએ તેની જૈન મુનિ સલાહ આપતા હતા. આ પાસુ ઉજાગર કરતા ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે ઉપાશ્રયમાં મુનિ હરિભદ્રસૂરિના શિષ્ય શ્રી વિજયસેનસૂરિ, વસ્તુપાળ, તેજપાળ, સોમેશ્વરદેવ અને દેવરાજ પટ્ટકિલ મળીને રાજ કારભાર વિશે ચર્ચા વિચારણા કરતા હતા.
એક જૈનમુનિ, એક બ્રાહ્મણ ગુરુપુત્ર, બે વણિક વીરબંધુઓ, એક ક્ષત્રિય આ બધા જ એકસાથે અને એક મત પર વિચારણા કરતા જોવા તે દશ્ય અજોડ લાગે. તેજપાળે મંત્રીપદ લેતાં પહેલાં વિજયસેનસૂરિજીએ કહ્યું કે મંત્રીપદ એ લોઢાના ચણા છે. એ ફક્ત લક્ષ્મીનો ચાંદલો નથી, જો ધ્યાન ન રહે તો એ મેશની ટીલી પણ બની શકે. તેમણે તેજપાળને આગળ કહ્યું કે, જો બુદ્ધિ, ચિત્તવૃત્તિ અને તલવાર એ ત્રણ તમારી સાબૂત હોય તો જ મંત્રીપદ માટે હા ભણજો. શ્રાવકો કે સાધુઓની અને સંઘની વાહવાહ પર વિશ્વાસ નહીં મૂકતા. જિનમંદિરો કે શિવપ્રસાદો નહીં બનાવો તો ચાલશે પણ વણકર, ખેડુ, મુસ્લિમ અને બીજા નાના વ્યક્તિઓનાં દિલ જીતવા પડશે.
જે મંત્રી કોઈનાં માથા ઉપર હાથ મૂક્યા વગર ભંડાર વધારી શકે, કોઈને દેહાંતદંડ દીધા વગર દેશનું રક્ષણ કરી શકે, ને લડાઈ કર્યા વગર રાજ્ય વધારે તેને કુશળ મંત્રી સમજવો.
શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત “ગુજરાતનો જય’ + ૧૩૫