________________
પ્રજાજનોને આકર્ષી રહ્યો હતો, જે વખતે આચાર્ય મહારાજના મોંમાંથી નીકળતી સરસ્વતી જુદું જ રૂપ ધરી રહેતી તે વખતે કાશ્મીરથી કોંકણ સુધી, ને અંગદેશથી સૌરાષ્ટ્ર સુધી એમ આખા ભારતવર્ષમાં જેની કીર્તિ ફેલાયેલી હતી, તે સિદ્ધરાજ જયસિંહ ગુજરાતનો નૃપાળ હતો.
હેમચન્દ્રાચાર્ય વિહાર કરતાં પાટણમાં આવ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહની કિર્તિ દિગંતવ્યાપિની હતી. તેની રાજનીતિ દિગ્વિજવી હતી. તે વિદ્વાન હતો ને વિદ્યારસિક હતો. એને ગુજરાતમાં સરસ્વતી આણવી હતી. ગુર્જર દેશ' એમ બોલતી એની વાચાનો પ્રતાપ જુદો હતો. એને એક કાલિદાસની જરૂર હતી, જે પોતાની કવિતા વડે ગુજરાતને એના ગૌરવનો વારસો આપી જાય. ચૌલુક્ય કીર્તિકથન સાંભળીને, ભવિષ્યનો કોઈપણ ગુજરાતી પોતાની જાતને નાની ન માને એવી કોઈ અજર કૃતિ માટે એ ઝંખી રહ્યો હતો.
ગમે તેટલું મહાન પણ તે વખતનું સન્મતીર્થ પાટણના હિસાબે કાંઈ ન હતું. પાટણમાં તો મહાલયો મહામંદિરો, મહાપુરુષો, મહાજનો અને મહાપાઠશાલાઓ હતી. આંહીની સભામાં બેસવું એ કાંઈ જેવાતેવાનું કામ ન હતું. એટલે પાટણમાં રહેવાની સાથે હેમચન્દ્રાચાર્ય પાટણથી અને પાટણ હેમચન્દ્રાચાર્યથી વધારે મહાન દેખાવા લાગ્યા. મેરૂતુંગના કહેવા પ્રમાણે જેનું શૈશવ પૂરું થવા આવ્યું છે, તેવા હેમચન્દ્રાચાર્ય, દેવસૂરિના સહાયક તરીકે તેમાં હાજર હતા. દેશવિદેશને જીતતો. કુમુદચંદ્ર ગુજરાત દેશમાં આવ્યો હતો. પાટણનો નૃપાળ હરેક વિદ્વાનને સત્કારતો, પોતાની માતાના પિતાનો ગુરુ એટલે એને વિશેષ આદર આપીને પાટણમાં શાસ્ત્રાર્થ ગોઠવ્યો. સિદ્ધરાજને હેમચન્દ્રાચાર્યની પ્રતિભાની ખાતરી થઈ. દેવસૂરિને કર્ણાવતીથી આવવા સિદ્ધરાજે તથા પાટણના સંઘે વિજ્ઞપ્તિ કરી. દેવસૂરિ આવ્યા અને મહારાણી મીનળદેવીની હાજરીમાં શાસ્ત્રાર્થ શરૂ થયો. તેમાં કુમુદચંદ્રની હાર થઈ, તેથી હેમચન્દ્રાચાર્યનું સ્થાન વધારે ને વધારે પ્રતિષ્ઠાભર્યું થયું.
એક વખત સિદ્ધરાજ હાથી ઉપર બેસીને મુખ્ય રસ્તા ઉપર થઈને જતો હતો. એવામાં સૈનિકો ને નગરજનોની ભીડને લીધે એક દુકાન ઉપર ઉભેલા હેમચંદ્રાચાર્યને રાજાએ જોયા. રાજાએ હાથી ઊભો રાખીને આચાર્યને કાંઈક કથન કરવા વિજ્ઞપ્તિ કરી. હેમચન્દ્રાચાર્યે રાજાને કહ્યું કે, હે રાજનું સિદ્ધરાજ! તારા હાથીને તો નિરંકુશ આગળ વધવા દે; દિગ્ગજો ધ્રુજે તો ભલે ધ્રુજતા, એ ચિંતા કરવાની તારે ન હોય, કારણ કે તું પૃથ્વીનો ભાર ધારણ કરે છે.' આ કથન સાંભળી રાજાએ પોતાને ત્યાં સભામાં હંમેશાં આવવાની વિનંતી કરી.
થોડાં વર્ષો પછી સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યને વ્યાકરણ ગ્રંથ લખવા વિનંતી કરી. હેમચન્દ્રાચાર્યે સિદ્ધરાજની વિજ્ઞપ્તિથી વ્યાકરણ તૈયાર કરવાનું માથે લીધું. આ વ્યાકરણ તૈયાર કરવામાં સિદ્ધરાજે દેશ-વિદેશથી ખાસ કરીને ભારતીભૂમિ કાશ્મીરમાંથી રાજપુરુષોને મોકલી વ્યાકરણો મંગાવ્યાં. આમ, હેમચન્દ્રાચાર્યે જે
૧૨૪ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો