________________
પ.પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજીની કાવ્યસૃષ્ટિના પરિચયનો લેખ વાચકોને તેમના વ્યક્તિત્વના એક અલગ જ પાસાંનો અનુભવ કરાવે છે. તો ‘દેવરચના' જેવી અદ્દભુત રચનાના રચયિતા કવિવર્ય શ્રી હરજસરાયજીની સર્જકતા વિશિષ્ટ પ્રકારની હતી. પ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી મ.સા. તો સ્વયં સાહિત્યસર્જનની ચેતનાનો ફુવારો જ હોય તેમ ૨૫ વર્ષમાં ૧૪૦ જેટલી રચનાઓ આપીને અમર થઈ ગયા.
જેઓને ડબલ ડિલિટની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા છે તેવાં સાહિત્યસામ્રાજ્ઞી પ. પૂ. જ્ઞાનમતી માતાજીએ બાળકો, યુવાનો, વિદ્વાનો માટે વિપુલ સાહિત્યરચનાઓ કરી છે. રાષ્ટ્રના વિકાસ માટે અણુવ્રત આંદોલનને પ્રાધાન્ય આપનાર આચાર્ય તુલસીએ અને તેમના શિષ્ય યુવાચાર્ય મહાપ્રજ્ઞજીએ સમાજની ચેતનાને જાગ્રત કરે તેવું સાહિત્ય આપીને મોટો ઉપકાર કરેલ છે. આ જ રીતે માનવતાલક્ષી અભિગમયુક્ત પ.પૂ. શ્રી નાનચંદ્રજી મ. સાહેબ અને તેઓના શિષ્ય, મહાન ઉદ્ધારક, સમાજસુધારક પૂ. સંતબાલજીનું સાહિત્ય અને તેઓનાં સામાજિક કાર્યો તેઓની વિચક્ષણ દૃષ્ટિને આભારી છે. આત્મચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ ગદ્ય અને પદ્યમાં ખૂબ ચિંતનશીલ સાહિત્યની રચનાઓ દ્વારા અને પોતાના ચારિત્ર દ્વારા અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
‘કલ્યાણ' સામયિકના પ્રેરક અને સ્વયં એક સાહિત્યકાર પપૂ. આ. વિજયકનકચંદ્રસૂરિજીએ પોતે અનેક પુસ્તકોની પ્રસ્તાવનાઓ લખી અને કેટલાયને લખવા માટે પ્રેરણા આપી લખતા કર્યા. કવિકુલકિરીટ પ.પૂ.આ. શ્રી લબ્ધિસૂરિજીના દ્વાદસાર નયચક્ર' ગ્રંથનું સંપાદન તૈયાર થયું ત્યારે તેનું વિમોચન ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના વરદહસ્તે થયું, તેમ જ તેઓએ ઉર્દૂ સહિત અનેક ભાષાઓમાં રચનાઓ કરી તે હકીકત જ તેમની વિદ્વત્તા પ્રત્યે અહોભાવની લાગણી જન્માવે તેવી છે. પ. પૂ. આ. ભદ્રગુપ્તવિજયજી પોતાના જ્ઞાનાનંદ માટે સરળ શૈલીમાં નવલકથા, બાળસાહિત્ય વગેરેની રચનાઓ કરતા.
૧૯મી અને ૨૦મી સદીમાં વાચકવર્ગ ઉપર પક્કડ ધરાવનાર લોકપ્રિય લેખકોનું પ્રદાન પણ નોંધપાત્ર છે. શીઘ્રકવિ, આયુર્વેદભૂષણ, નાટ્યલેખક શ્રી મોહનલાલ ચુનિલાલ ધામીની નવલકથાઓનો વાચકવર્ગ ખૂબ બહોળો હતો. કથારસમાં વાચકને તરબોળ કરનાર મૂઠી ઊંચેરા માનવી, પ્રસિદ્ધ નવલકથાકાર શ્રી જયભિખ્ખનાં પુસ્તકોના વાચકો આજે પણ તેમની કલમને યાદ કરે છે. આજીવન કર્મશીલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈની નવલિકાઓ, જૈનના અગ્રલેખો, ઇતિહાસનું આલેખન કરતાં પુસ્તકો ખાસ વંચાતાં. ધાર્મિક રુચિ સાથે સાહિત્યિક પ્રવૃત્તિઓમાં નિમગ્ન ડૉ. રમણલાલ ચી. શાહ અને તેમનાં ધર્મપત્ની સંશોધક,