________________
વિધિપૂર્વક ઉજમણું કરવાના ફાયદાઓ.
- સીદાઈ રહેલા જિનાલય-જિનબિંબ-જિનાગમને ફરીથી ચૈતન્યવાન બનાવવાનો લાભ મળે.
- સાધુ-સાધ્વીની નિર્દોષ ઉપકરણ દ્વારા ભક્તિ કરવાથી ભવાંતરમાં સુવિશુદ્ધચારિત્રની પ્રાપ્તિ થાય તેવુ સાનુબંધ પુણ્ય ઉપાર્જિત થાય.
- સ્વ-પરમાં આરાધનાનો રાગ સ્થાપિત થતા ભવાંતરમાં તે આરાધના સાથે પુનઃ મિલન થાય.
- ધર્મક્ષેત્રમાં નહીં પ્રવેશેલા જીવોને પ્રવેશ કરાવવાનો, શ્રદ્ધાભંગ થયેલા જીવોની શ્રદ્ધાનો જીર્ણોદ્ધાર કરવાનો અપૂર્વ લાભ મળે.
- વિશિષ્ટ રીતે જિનશાસનની પ્રભાવના થતા અનેક જીવોને સન્માર્ગે સ્થિર કરવાનો લાભ મળે.
- મુખ્યપણે પરમાત્માની આજ્ઞાપાલન કરવાનો લાભ મળે.
આમ, જેનાથી સ્વ-પરમાં આરાધનાની મહત્તા વધે, ફરી ને ફરી તેવી આરાધના કરવાનો ઉલ્લાસ વધે, તે આરાધનાની ગેરહાજરીમાં પણ બાકીની પરમાત્માની શક્ય આજ્ઞાનું પાલન સતત જીવંત રહે, અને નબળા પુણ્યને લીધે સીદાઇ રહેલા જીવોની જીવનજરૂરિયાત પૂર્ણ થાય અને બોધિબીજની વાવણી થાય તેવા આશયથી તપનું ઉજમણું કરવું તે પ્રત્યેક શ્રાવકનું કર્તવ્ય છે.
ઉપસંહાર આ રીતે પ્રભુશાસનના બાહ્ય-અત્યંતર ઉભય તપની વિશેષ માહિતિ આપણે મેળવી. માત્ર શરીરની શુદ્ધિ નહીં, મનની શુદ્ધિ પણ કરનારો આવો તપમાર્ગ અન્ય કોઇ ધર્મોમાં બતાવાયો નથી.... મોહની છાવણી અને કર્મરાજાના જેટલા સૈનિકો હતા તે બધાને હરાવીને આત્મસત્તા પર પોતાનો વિજયધ્વજ ફરકાવવાનું અદ્ભુત પરાક્રમ દાખવે છે આ તપોવિધાન. સૌ કોઇ જીવો આવો બાહ્ય-અત્યંતર તપને જીવનમાં વણી પુણ્યક્ષેત્રે-સુખક્ષેત્રે અને છેવટે ગુણક્ષેત્રે અભૂત વિકાસ સાધી સિદ્ધિગતિ શીધ્ર પામે તેજ અભ્યર્થના...
शुभं भवतु श्री संघस्य ।