________________
એક રીતે જોઇએ તો નામ કરતાં સ્થાપનાની વધારે અગત્ય છે. જેવો ભાવવિશેષ નામશ્રવણથી થાય છે. એથી વિશેષ ભાવવિશેષ ભગવાનની પ્રતિમાનાં દર્શનથી થતો હોય છે.
શ્રી અનુયોગ દ્વાર સૂત્રના સૂત્ર-૧૨ની ટીકામાં લખ્યું છે, કે નામસ્થાપનાનો શું ભેદ છે ? તો કહ્યું છે, કે “જેમ ઇન્દ્રની પ્રતિમા સ્થાપનામાં કુંડલ-બાજુબંધ આદિથી ભૂષિત, જેની બાજુમાં ઇન્દ્રાણી અને વજ રહ્યાં છે. એવો આકાર સ્પષ્ટ જણાય છે, તે રીતે નામેન્દ્રમાં દેખાતો નથી. કારણકે નામેન્દ્ર અર્થાત્ ઇન્દ્રનું નામ, તેનો ઇન્દ્ર જેવો આકાર નથી.''
એવી રીતે ઇન્દ્રની સ્થાપના જોવાથી જેવા ભાવ ઉછળે છે, તેવો ભાવ ઇન્દ્રનાં નામશ્રવણ ભાવથી થતો નથી.’'
‘‘તેમ જ લોકોની માનતા-પૂજા-ભક્તિ વગેરે તથા ઇચ્છિત લાભ આદિ પ્રતિમામાં=પ્રતિમાના આલંબને થાય છે. પરંતુ ‘‘ઇન્દ્ર’’ નામમાં કોઇ માનતા, નામની પૂજા, નામ દ્વારા ઇચ્છિતનો લાભ વગેરે વગેરે કરતાં દેખાતા નથી'' સૂ.૧૨ ટીકાર્થ...સ્થાપના વગર કોનું આલંબન લેવું ? ધ્યાન કોની સામે કરવું ? ધ્યાન દ્વારા કોના જેવાં થવાનો ભાવ કરવો ? શ્રીમદ્ દેવચંદ્રજી એ સ્તવનમાં કહ્યું છે! ‘અતિ દુસ્તર જે જલધિ સમો સંસાર જો;
તે ગોપદ સમ કીધો પ્રભુ આલંબને બને રે લોલ !'
સાગર સમાન અગાધ સંસારને અમે પ્રભુના આલંબને એટલે કે પ્રભુની મૂર્તિના આલંબને ગાયના પગલાં-ખાબોચિયાં સમો નાનો બનાવી દીધો.
જ્યાં સુધી જીવ વીતરાગ અવસ્થાને ન પામે, ત્યાં સુધી તેને આલંબન જરૂરી છે. આલંબન વિના માણસ આગળ વધી શકતો નથી. નામના આલંબન કરતા સ્થાપનાનું આલંબન વધુ બળવાન છે. એ તો આ પ્રકરણથી સિદ્ધ થઇ ગયું છે. હવે એ આલંબનને સાર્થક બનાવવાની જરૂર છે.
આલંબન શબ્દ જિનશાસનનો અગત્યનો શબ્દ છે. એનો અર્થ થાય છે. આગળ વધવા, ઊંડા ઉતરવા માધ્યમ. જેમકે માણસે અગાશીમાં જવું હોય તો સીડી મૂકવી પડે. સીડી વાપરવી પડે. ઉપર પહોંચી ગયાં પછી સીડીને છોડી દે તો ચાલે. આમ, વીતરાગતા મેળવવા માટે જે સ્વયં વીતરાગ છે, એવા ૫૨માત્માની પ્રતિમા જે વીતરાગ ભાવને બતાવનારી છે. એનું આલંબન લેવાનું અને વીતરાગ થયાં પછી એને છોડી દેવાનું. જો નામનું આલંબન સ્વીકારાય તો મૂર્તિનું આલંબન કેમ ન સ્વીકારવું ?
૨૬
102
જૈન ભક્તિમાર્ગ...