________________
૧) નિર્યુક્તિ - અંતિમ ૧૪ પૂર્વધર ભદ્રબાહુ સ્વામીએ અનેક સૂત્રો પર નિર્યુક્તિની રચના કરી. જે પ્રાકૃત ભાષામાં ગાથાબદ્ધ છે.
૨) ભાષ્ય - કાળક્રમે તેના પર પ્રાકૃતમાં ગાથાબદ્ધ વિસ્તૃત વિવેચનો રચાયા જે “ભાષ્ય' તરીકે ઓળખાયા. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિગેરે ભાષ્યના રચયિતા છે.
૩) ચૂર્ણિ - પ્રાકૃતમાં સળંગ ગદ્ય રૂપે રચાયેલું વિવેચન તે ચૂર્ણિ કહેવાય છે. જિનદાસગણિ મહત્તર વિગેરે મુખ્ય ચૂર્ણિકારો છે.
૪) વૃત્તિ, ટીકા - સંસ્કૃત વિવેચન વૃત્તિ કહેવાય છે. હરિભદ્રસૂરિ મ., અભયદેવસૂરિ મ. વિ. મુખ્ય વૃત્તિકારો છે.
આ મૂળ સૂત્ર અને ઉપરના ચાર મળીને આગમના પાંચ અંગ બને છે. એ સિવાય દીપિકા, અવચૂરિ વિ. સંક્ષિપ્ત સંસ્કૃત વિવેચનો પણ હોય છે.
ઉપરાંત સ્વતંત્ર પ્રકરણાદિ અનેક ગ્રંથો છે. કરોડો શ્લોક પ્રમાણ શ્રુતજ્ઞાન આજે પણ ઉપલબ્ધ છે. હજારો પ્રતો કદાચ એવી છે કે જે એક વાર વંચાઇ નથી.
છેલ્લી ૪-૫ સદીઓમાં કાળને અનુસાર મહોપાધ્યાય વિનયવિજયજી મ., મહોપાધ્યાય યશોવિજયજી મ., વીરવિજયજી મ. વિગેરે અનેક જ્ઞાની પુરુષોએ ગુજરાતી ભાષામાં પણ રાસ, પૂજા, ટબા, સ્તવન, સાય વિગેરે અનેક ગ્રંથોની રચના કરી છે.
હાલમાં પણ અનેક વિદ્વાનો સંસ્કૃત ભાષામાં હજારો શ્લોક પ્રમાણ સર્જન કરે છે.
ચાર અનુયોગ - આ સંપૂર્ણ શ્રુત ચાર અનુયોગમાં વહેંચાયેલું છે.
૧) દ્રવ્યાનુયોગ - જેમાં લોકનું અને તેમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જણાવાયું છે. દા.ત. ભગવતી સૂત્ર વિગેરે.
૨) ચરણકરણાનુયોગ - જેમાં હેય-ઉપાદેય અર્થાત્ આચરવા યોગ્ય, છોડવા યોગ્ય કાર્યોનું વર્ણન છે. દા.ત. આચારાંગ સૂત્ર વિગેરે.
૩) ધર્મકથાનુયોગ - જેમાં કથા-વાર્તાઓ-ચરિત્રો છે. દા.ત. જ્ઞાતાધર્મકથા.
૪) ગણિતાનુયોગ - જેમાં સૂર્ય-ચંદ્ર વિ.ની ગતિના ગણિત વિગેરે બતાવાયા છે. દા.ત. સૂર્યપ્રજ્ઞપ્તિ વિગેરે.
જ્ઞાનનું સ્વરૂપ