________________
માટે જ વીતરાગ સ્તોત્રના આઠમા પ્રકાશમાં કહ્યું કે વિજ્ઞાનના એક આંકારને અનેક આકારથી સંવલિત માનનારા બૌદ્ધો, લાલ-પીળા વગેરે અનેક રંગવાળા એક ચિત્રમાં એક સાથે એકતા ને અનેકતાને પ્રમાણભૂત માનતા નૈયાયિકો અને પ્રધાન-પ્રકૃતિને સત્ત્વ-રજસ-તમસ આ ત્રણ પરસ્પર વિરોધી ગુણોથી ગુંથાયેલી માનનારા સાંખ્યદર્શનકારો અનેકાંતવાદનો વિરોધ કેવી
રીતે કરી શકે ?
તેથી અહીં અન્યયોગ વ્યવચ્છેદમાં (ગા. ૧૯) આપેલી ઉપમા સાર્થક થાય છે. એક પંખીનું બચ્ચું સમુદ્રકિનારે રહેલા વહાણના કુપસ્તંભ પર બેઠું હતું. વહાણ સમુદ્રમાં સરકવા માંડ્યું. શરુઆતમાં તો એ બચ્ચાએ એની મજા માણી. પણ પછી જહાજ ભરદરિયે આવ્યું. હવે એ બચ્ચુ પોતાના સ્થાને જવા ઉડે છે. પણ ચારે બાજુ પાણી જોઇ થાકીને ફરી એ કુપસ્તંભનો આશરો લે છે. એમ સ્યાદ્વાદરૂપ કુપસ્તંભના આધારે બધા સિદ્ધાંતો છે. એકાંતવાદીરૂપ પંખી બચ્ચું એ સ્યાદ્વાદને છોડી જુદા-જુદા તર્કોના સમુદ્રમાં ફરી આવે છે, પણ ક્યાંય પોતાની વાતને ટેકો મળતો નથી, તેથી છેવટે ફરીથી સ્યાદ્વાદનો આશરો લેવો પડે છે.
અહીં ‘ઘટફુટ્યાં પ્રભાત' ન્યાય પણ પ્રસિદ્ધ છે. એક ગામડિયો ઘીના ઘડા વેંચવા બળદગાડામાં ઘડા લઇ શહેર તરફ આવે છે. શહેરના પ્રવેશદ્વાર પાસે જ પ્રવેશકર (Octroi)ની ઓફિસ છે. દૂરથી એ ઓફિસ જોઇ ક૨ બચાવવા એ રાતના સમયે આડો રસ્તો લે છે. એ રસ્તે આખી રાત બળદગાડું ચાલતું રહ્યું. સવાર પડી ને એ ગામડિયાએ જોયું, તો બળદગાડું એ ઓફિસ આગળ જ આવીને ઊભું છે.
જિનેશ્વર ભગવાન નામના રાજાના ‘પ્રમાણભૂત સિદ્ધાંત' નામના નગરની પાસે સ્યાદ્વાદની ઓફિસ છે. જે તાર્કિકે પોતાની વાત પ્રમાણભૂત સિદ્ધાંત તરીકે પ્રવેશ કરાવવી હોય, એણે ‘સ્યાદ્વાદ’ નો ટેક્ષ ભરવો પડે એમ છે, એટલે કે સ્યાદ્વાદની મુદ્રા લગાવવી જરુરી છે. જૈનેતર વિદ્વાનો આ સ્યાદ્વાદથી બચવા બુદ્ધિના બળદગાડાને એકાંતવાદના જુદા જુદા રસ્તે ખૂબ ફેરવે છે... ઘોર મિથ્યાત્વના એ અંધારામાં આખી રાત ફર્યા પછી સમજણનું પરોઢ ઉગે છે, ત્યારે એ જુએ છે કે છેવટે તો આટલી મથામણ પછી પણ પોતાના સિદ્ધાંતને પ્રમાણભૂત ઠેરવવા સ્યાદ્વાદનો જ આશરો લેવો પડે છે.
અનેકાંતવાદ
૩૪