________________
તાવાતી પૂર્વભૂમિકા
| વિ.સં. ૨૦૩૨/૩૩ની વાત છે. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજના વચનોનો અનુરાગ ઉત્તરોત્તર વધતો હતો તે દિવસોમાં તેઓના પ્રભુવાણીના વિસ્તાર રૂપ વચનોમાં થોડાં ઊંડા ઉતરવાની ઈચ્છા થઈ. છબછબીયાં તો કર્યા જ હતા હવે થોડાં મોતી મેળવવા મન થયું. અને તે તો ત્યારે જ બને કે તે લેખનના રૂપે મઢવામાં આવે અને એમ કરવામાં બરાબર જોવું પડે, વિચારવું પડે, ભલે સ્થૂલથી પરિચય લખવા મન હોય તો પણ.
અને તેમાં કલ્યાણ માસિક (વઢવાણ)નું આમંત્રણ મળ્યું અને આ ઉપાધ્યાયજી મહારાજે પોતાના ગ્રંથો માટે પ્રયોજાયેલી “શ્રુત જલધિ પ્રવેશે નાવા' એ પંક્તિને શીર્ષક બનાવીને તેઓશ્રીના ગ્રન્થોનો પરિચય કરાવતી લેખમાળા શરુ થઈ થોડાં લેખ થયા અને વળી એ બંધ પડી. વહેણ બદલાયું. લેખમાળા વિસારે પડી.
મનમાં જે રૂચે છે તે બધું કાંઈ લખાતું નથી જે કાંઈ લખાય છે તે બધું છપાતું નથી જે છપાય છે તે બધાનું પુસ્તક થતું નથી પુસ્તક થાય તે ટકે તેવું હોતું નથી ક્યારેક તો આ બધી નમાની ખણજ હોય છે. અહંકાર મનની નીપજ હોય છે.
છતાં વેરવિખેર પડેલા લેખોની ચોપડી થાય તો કો'કને લાભ થશે એવી લાહ્યમાં આ પ્રકાશિત થવા જાય છે.
નાવામાં દ્વાંગિંશદ્ધાત્રિંશિકા ગ્રન્થનો પૂર્ણ પરિચય અપાયો નથી. અમુક બત્રીશી રહી ગઈ છે. પણ તે એમ જ રહેવા દીધી છે. થાગડ થીગડ કરી પૂર્ણ કરવાની લાલસા જતી કરી છે આમે ય શું પૂર્ણ થઇ શકે છે! જેનું સ્વરૂપ જ અપૂર્ણ છે ત્યાં!
તેથી જેટલાં લેખ લખાયાં તેટલાં જ અહીં મૂક્યા છે. પુસ્તક કરતી વેળાએ તેનું “પુનર્લેખન થાય તો સારું” આવું સૂચન મળ્યું પણ તેનો અમલ પુસ્તકના પ્રકાશનને વિલંબિત કરશે તેવું લાગ્યું તેથી તે પણ ટાળ્યું છે.
લેખની અવસ્થા કરતાં થોડાં વધુ વર્ષો સુધી ટકે તેવી ગણતરીથી પ્રકાશિત થાય છે. શેષ વાચકોને ભળાવું છું.
વિ.સં. ૨૦૬૨, | શ્રી નેમિ-અમૃત-દેવ-હેમચન્દ્રસૂરિ માગસર પૂનમ
શિષ્ય પ્ર0 સેરીસા તીર્થ