________________
શ્રી કેસરિયાજી યાને ૠષભદેવ
શ્રી કેસરિયાજી એ જૈનોનું અતિ પ્રસિદ્ધ અને મુખ્ય તીર્થધામો પૈકીનું એક તીર્થધામ છે. તે ઋષભદેવ ગામમાં પહાડોની પશ્ચાદ્ ભૂમિકામાં આવેલું છે.
અહિં ચૌદમી સદીમાં બંધાવેલ મનોહર રચનાવાળુ જૈન મંદિર છે. તેમાં મૂળનાયક શ્રીૠષભદેવ ભગવાન છે પ્રતિમા ભવ્ય અને વિશાળ પણ શ્યામવર્ણની છે, છતાં મુખાકૃતિ ઘણી આકર્ષક અને પ્રેરણાત્મક છે. તેને પદ્માસન આસનમાં અંકિત કરવામાં આવી છે. પ્રતિમા અતિ પ્રાચીન છે. તેના ઈતિહાસ વિશે અનેક માન્યતાઓ છે. જૈનો તેને અલૌકિક, ચમત્કારી અને ભક્તોની મનોકામના પૂર્ણ કરવાવાળી માને છે.
એક ચમત્કારિક દંતકથા એવી છે કે આ અલૌકિક પ્રતિમા જૈનોના વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીજીના સમયમાં લંકાપતિ રાવણને ત્યાં બિરાજમાન હતી અને ત્યાં તેની પૂજા કરવામાં આવતી. રાવણને પરાજિત કર્યા બાદ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી આ પ્રતિમાને અયોધ્યા લઈ આવ્યા હતા. ત્યાંથી તેને ઉજ્જૈનમાં લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ કંઈક દૈવિક શક્તિદ્વારા તે વટપદ્રનગર યાને વડોદરાની બહાર એક વટવૃક્ષ નીચે પ્રગટ થઈ હતી. આ જગા ઉપર ઋષભદેવ ભગવાનનાં ચરણ ચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યાં છે, જે આજે પણ હયાત છે. પ્રતિમા કેટલાં વર્ષો સુધી વટપદ્રનગર આગળ પૂજાયા પછી ફરીથી કોઈ દૈવીશક્તિ દ્વારા, ઋષભદેવ ગામથી એકાદ કિલોમીટરના અંતરે ફરીથી એક વૃક્ષની નીચે પ્રગટ થઈ. આ સ્થળ ઉપર પણ ૠષભદેવના ચરણચિહ્નો સ્થાપિત કરવામાં આવેલાં છે, જે આજે હયાત છે.
૧૦૪