________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
ભગવાન મહાવીર તપના વિષયમાં કહે છે કે તપ આત્માના શુદ્ધિકરણની પ્રક્રિયા છે. I 1 / બદ્ધકર્મોને ક્ષય કરવાની પદ્ધતિ છે. I 2 I તપ દ્વારા જ મહર્ષિગણ પૂર્વ પાપકર્મોને નષ્ટ કરે છે. I 3 I તપનો માર્ગ રાગદ્વેષજન્ય પાપકર્મોના બંધનને ક્ષય કરવાનો માર્ગ છે જે મારા દ્વારા સાંભળો. | 4 |
આવી રીતે જૈન સાધનામાં તપનો ઉદ્દેશ અથવા પ્રયોજન આત્મશુદ્ધિ છે. પૂર્વે બાંધેલા કર્મ પુદ્ગલોને આત્મતત્વથી પૃથક કરી અને શુદ્ધ આત્મતત્વની ઉપલબ્ધિ જ સિદ્ધ થાય છે.
તપ શબ્દનો અનેક અર્થોમાં ભારતીય આચાર દર્શનમાં આવિર્ભાવ થયો છે અને જ્યાં સુધી તેની સીમાઓ નિર્ધારીત કરી લેશુ નહિ ત્યાં સુધી તેનું મુલ્ય નક્કી કરવું કઠીન છે. “તપ” શબ્દ એક અર્થમાં ત્યાગ ભાવનાને વ્યક્ત કરે છે. તપ ભલે ને વ્યક્તિગત સ્વાર્થનો હોય કે વ્યક્તિગત સુખોપલબ્ધિઓનો હોય છતાં તપ કહેવામાં આવે છે. અહિં તપ, સંયમ, ઇન્દ્રિય નિગ્રહ અને દેહદંડ બનીને રહી જાય છે. તપ માત્ર ત્યાગી દેવું એ નહિ પરંતુ પ્રાપ્તિ કરવી પણ તપ છે. તપને માત્ર વિસર્જનાત્મક મૂલ્ય માનવું તે ભ્રમ છે. ભારતીય દર્શનમાં વિસર્જનાત્મકની સાથે સર્જનાત્મક મૂલ્યની પણ વાત કરી છે. વૈદિક પરંપરામાં તપને લોકકલ્યાણનું વિધાન બતાવ્યું છે. ગીતાજીમાં લોકસંગ્રહની અને જૈન પરંપરામાં “બહુજન હિતાય બહુજન સુખાય”નો બોધ આપે છે ત્યારે તે પણ તપના વિધાયક મુલ્યનું જ વિધાન કરે છે.
સર્જનાત્મક પક્ષમાં આત્મોપલબ્ધિ જ છે પરંતુ અહીં સ્વઆત્મન એટલો વ્યાપક થાય છે કે તેમાં સ્વ અથવા પરનો ભેદ જ નથી. એટલા માટે એક તપસ્વીનું આત્મ કલ્યાણ અને લોકકલ્યાણ પરસ્પર વિરોધ ન રહેતા એકરૂપ બને છે. એક તપસ્વીના આત્મકલ્યાણમાં લોકકલ્યાણનો સમાવેશ થઈ જાય છે અને તેનું લોકકલ્યાણ આત્મકલ્યાણ જ છે.
તપ ભલેને તે ઇન્દ્રિય સંયમનો હોય, ચિત્ત નિરોધનો હોય, લોકકલ્યાણનો હોય કે બહુજન હિતનો હોય તેના મહત્ત્વનો કોઈ ઈન્કાર શકતો નથી તેના વ્યક્તિગત જીવન માટે તેમજ સમાજ માટે મહત્ત્વ છે. ડૉ. ગફ આદિ કેટલાક પશ્ચિમના વિચારકો તથા કેટલીક મર્યાદામાં સ્વયં બુદ્ધે પણ તપસ્યાને આત્મ નિયંત્રણ (self Torture) અથવા સ્વપીડનના રૂપમાં જોઈ અને એના આધાર પર આલોચના પણ કરી છે. જેની સાથે જૈન વિચારણા તથા હિન્દુ વિચારણા પણ સહમત થશે.
ભારતીય આચાર પરંપરામાં એમાં પણ વિશેષ કરીને જૈન પરંપરા તપ સાથે શારીરિક કષ્ટ સહન કરવાનો અથવા આત્મ નિયંત્રણ કરવાનો જે અધ્યાય જોડાયેલો છે તેની પાછળ પણ કેટલાક તર્કનું બળ તો છે જ દેહદંડ પાછળ નીચે આપેલા તર્ક આપી શકાય તેમ છે.
1. ઉત્તરાધ્યયન સૂત્ર - ૩૦/૧ 2. વહી ૨૯/૨૭ 3. વહી ૨૮/૩૬, ૩૦/૬ 4. ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૮/૩૫