________________
ત્રણ મંત્રની માળા
૬૪૧
શેનો અંતરાય નડે છે એ કહ્યું,
ધન તણું ધ્યાન તું અહોનિશ આદરે, એ જ તાહરે અંતરાય મોટી; પાસે છે પિયુ અલ્યા, તેને નવ પરખિયો, હાથથી બાજી ગઈ, થયો રે ખોટી. સમરને.
‘મંત્ર મૂલં ગુરુર્વાક્ય.’ ગુરુનું વાક્ય એ મંત્ર છે અને આ તો ગુરુએ મંત્ર આપ્યો છે. ગુરુનું વાક્ય મંત્રતુલ્ય છે. પ્રભુશ્રીએ કહ્યું કે, કૃપાળુદેવે તો મને આખો આત્મા હાથમાં આપી દીધો છે. એમ આપણને પણ આપી દીધો છે, પણ આપણને એનું જે પારમાર્થિક માહાત્મ્ય સમજાવું જોઈએ તે સમજાતું નથી. એટલે દુનિયાના કાર્યોમાં ઉપયોગને બહા૨માં ભટકાવ્યા જ કરીએ છીએ. હવે ક્યારે એને શાંતિ મળે ? ગમે ત્યાં જાવ, શાંતિ આત્મામાં છે. અનંત શાંતિ છે. અનંતકાળ સુધી એ શાંતિને ભોગવશો તો પણ એનો સ્ટોક ખૂટે એવો નથી એવી શાંતિ છે. તેના માટે કોઈ પૈસો ખર્ચવાની જરૂર નથી, ક્યાંય દોડધામ કરવાની ય જરૂર નથી.
અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો.
— શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૧૫
આ પ્રમાણે આ ત્રણ મંત્રો પરમકૃપાળુદેવે આપણને આપ્યા છે. તો તેને આત્મસાત્ કરી મનુષ્યભવ સફળ કરો તો તમે સાચા ડાહ્યા કહેવાઓ અને સાચા વાણિયા કહેવાઓ. નહીં તો તમે બધા નકલી વાણિયાઓ છો. અણી વખતે વા ની જેમ ફરી જાય એનું નામ વાણિયા ! ખ્યાલ આવે છે ? છેલ્લી ઘડી આવે ને કંઈક એવી ઘુસ મારીને ફરી જાય. અલ્યા ! એમાં નુક્સાન કોને છે ? તે એક વસ્તુને પકડી નહીં ને ફરી ગયો તો નુક્સાન કોને છે ? તને જ પ્રભુ. પરમકૃપાળુદેવે કહ્યું છે કે, ‘પોતે પોતાનો વૈરી, આ તે કેવી ખરી વાત.' જુઓ ! આપણા દુશ્મન આપણે જ છીએ. આપણે ઉપયોગને ભટકાવીએ છીએ એ જ આપણું સ્વરૂપનું દુશ્મનપણું છે. તો પરમકૃપાળુદેવે કહ્યું છે કે, “ઉપયોગ એ જ સાધના છે.” કયો ઉપયોગ ? અશુભોપયોગ એ સાધના છે ? શુભોપયોગ એ સાધના છે? કે શુદ્ધોપયોગ એ સાધના છે ? તમે સાધના શું કરો છો ? શુદ્ધોપયોગ વગરની શેની સાધના ? અને લોકો કહે છે કે આ મોટા સાધક, આટલા વર્ષના મુમુક્ષુ છે !!
‘મુમુક્ષુતા’ તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મુંઝાઈ એક ‘મોક્ષ’ ને વિષે જ યત્ન કરવો અને ‘તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. – શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૫૪