________________
પ૬૬
છ પદનો પત્ર, ,
એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૬ તું પોતે મોક્ષસ્વરૂપ છો. મોક્ષ કાંઈ બહારની ચીજ નથી. “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા.” આત્માની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી; આત્મા નિરાવરણ થવો; આત્મા નોકર્મ, દ્રવ્યકર્મ અને ભાવકર્મથી રહિત થવો એનું નામ મોક્ષ છે. આ નાસ્તિના પડખાથી અને અસ્તિના પડખાથી.
કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ.
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૧૩ આ સમ્યગ્રદર્શનનું ફળ શું છે? સ્વસ્વભાવરૂપ મોક્ષ એટલે સંપૂર્ણ સ્થિરતા. એક સમય માટે પણ ઉપયોગનું સવિકલ્પપણું નહીં, બહિર્મુખપણું નહીં એવું અખંડ નિર્વિકલ્પ ધ્યાન, જેનાથી પરમ શુક્લધ્યાનની પ્રાપ્તિ થાય છે - કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેને સ્વસ્વભાવરૂપ મોક્ષ કહેવામાં આવે છે. પહેલો ભાવમોક્ષ છે અને પછી દ્રવ્યમોક્ષ છે. કેવળજ્ઞાન છે તે ભાવમોક્ષ છે. આઠેય કર્મોથી રહિત સ્થિતિ થવી તે દ્રવ્યમોક્ષ છે.
સમ્યગદર્શન થયું એનું ફળ શું? તો જે કાંઈ વિનાશી પદાર્થો છે, અન્ય પદાર્થો છે, અન્ય ભાવો છે તેનો સંયોગ થાય કે વિયોગ થાય તેનો હવે હર્ષ, શોક થતો નથી. કેમ કે, હું જગતના સર્વ પદાર્થોથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ છું. બીજા કોઈ દ્રવ્ય સાથે મારે લાગતું કે વળગતું નથી. દરેક દ્રવ્યનું પરિણમન દરેક દ્રવ્યની યોગ્યતા અનુસાર સમયે સમયે થાય છે. એમાં એના કયા પરિણમનમાં હર્ષ કરવો અને કયા પરિણમનમાં શોક કરવો? એ આપણી ચીજ નથી અને છતાંય એમાં હર્ષ-શોકના ભાવ થાય છે એ અજ્ઞાન છે. ઈષ્ટ-અનિષ્ટ બુદ્ધિ થાય છે એ પણ અજ્ઞાન છે અને એના નિમિત્તે રાગ અને દ્વેષ થાય છે, એના દ્વારા કર્મોનો આસ્રવ તથા બંધ થાય છે અને એ જ પરિભ્રમણનું મૂળ થાય છે. આ દેહનો વિનાશ થાય કે બીજાનો વિનાશ થાય; જે નાશ પામવાવાળી ચીજ છે એ તો કંઈ શાશ્વત રહેવાની નથી. અજ્ઞાનીને જ્ઞાન નથી, પણ જ્ઞાનીને તો જ્ઞાન છે. જે પદાર્થ નાશવંત છે એ શાશ્વત થાય નહીં. નાશવંત પદાર્થનો નાશ થાય ત્યારે અજ્ઞાનીને અંદરમાં રાગ હોવાના કારણે દુઃખ થાય છે, જ્યારે જ્ઞાનીને જ્ઞાન હોવાના કારણે સમતા રહે છે, ઉદાસીનતા રહે છે, જ્ઞાતા-દષ્ટાપણું રહે છે.