________________
છ પદનો પત્ર
૫૫૧
આ પોતાની સપ્રમાણતાનો સિક્કો આપ્યો. હવે આ તો પોતા તરફથી એનો સ્વીકાર આવ્યો. એમ તો બધા એમ કહે છે કે આ કહે છે એ જ મોક્ષમાર્ગ છે. દરેક સંપ્રદાયમાં જ્યારે જ્યારે જે જે કંઈ આત્મતત્ત્વનો બોધ થાય છે ત્યારે તે તે વખતના તેમના સંપ્રદાયના શિષ્યો તે તે ગુરુ વિષે કહે છે કે આ કહે છે એ જ મોક્ષમાર્ગ છે, બીજા બધા કહે છે તે ખોટું છે ! જેમ રાતના ચોર આવે ને બૂમાબૂમ થાય, તો બધા કહે કે ચોર છે, દોડો દોડો, તો ચોર પણ બોલે કે ચોર આવ્યો, દોડો. પાછળવાળા એના સામે હાથ કરે છે ને એ બીજાની સામે હાથ કરે છે, એમ અન્ય દર્શનવાળા કહે છે કે આ મિથ્યાત્વી એટલે ચોર છે અને પેલા કહે છે કે આ ચોર છે. એ બે'યમાં ખરો ચોર કોણ છે એ નક્કી કરવાનું છે. સપ્રમાણતા કોની છે? દરેક દર્શનો કહે છે કે અમે કહીએ છીએ તે જ મોક્ષમાર્ગ અને એમનો વર્ગ પણ મોટો છે. તો વાત કોની માનવી ?
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો ‘તેહ’ જેણે અનુભવ્યું;
-
શ્રી મોક્ષમાળા – શિક્ષાપાઠ – ૬૭
નિર્દોષ નર એટલે જેને કેવળજ્ઞાન પ્રગટ થયું છે તેવા પુરુષની વાત સાચી, બાકી છદ્મસ્થતાની અંદર તો ગમે તે ચૂકી શકે છે. સર્વજ્ઞતામાંથી જે બોધ આવ્યો છે, સંપૂર્ણ વીતરાગ અવસ્થામાંથી જે બોધ આવ્યા છે તે બોધમાં યથાર્થપણું હોય છે અને એ બોધનો સ્વીકાર કરવો, તે જ સ્વરૂપે પ્રતીતિ થવી તેને સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
સમીપમુક્તિગામી છે તેને આ છ પદ સપ્રમાણતામાં બેસી જવાના. સપ્રમાણતામાં બેસે એ વ્યવહાર સમ્યગ્દર્શન છે અને તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે એ નિશ્ચય સમ્યક્ત્વ છે. આ વ્યવહાર સમ્યક્ત્વ એ નિશ્ચય સમ્યક્ત્વનું કારણ બને છે અને જ્યારે નિશ્ચય સમ્યક્ત્વ થાય છે ત્યારે આરોપ આવે છે કે એનું વ્યવહાર સમ્યક્ત્વ બરાબર હતું. એટલે આની અંદર દેવ-ગુરુ-ધર્મનો નિર્ણય પણ આવી જાય છે. કેમ કે, તત્ત્વનો બોધ યથાર્થ દેવ-ગુરુ વગર મળતો નથી. નિગ્રંથ ગુરુ મળવાથી દેવતત્ત્વની ઓળખાણ થયા વગર રહેતી નથી. તત્ત્વની પણ સાચી ઓળખાણ થયા વગર રહેતી નથી.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા – ૧૦