________________
પ૨૦
છ પદનો પત્ર
સ્વીકાર થાય તો તેને પ્રાપ્ત કરવાનો સમ્યફ પુરુષાર્થ ઉપડે. અનંતકાળના જન્મ, જરા અને મરણના ફેરા ટળી જાય એ કોઈ સામાન્ય બાબત થોડી છે ! દુઃખ થવાનું કારણ આ દેહ ને ઈન્દ્રિયો છે. દેહ ના હોય તો દુઃખ કોના દ્વારા વેદવાના છો? કોઈપણ જીવ દેહ વગરનો થઈ જાય તો પછી એને દુઃખ જ નથી. જે કંઈ દુઃખ છે એ જીવ દેહ દ્વારા અને મન દ્વારા ભોગવે છે. જેને દેહનથી, મન નથી, વચન નથી, ઈન્દ્રિયો નથી અને હવે દુઃખ જ ક્યાં રહ્યું? માટે મોક્ષનો સ્વીકાર કરો. આ છ પદનો સ્વીકાર થશે તો જ સમ્યગ્દર્શન છે અને સ્વીકાર પણ પાછો યથાર્થ જોઈએ, અયથાર્થ નહીં. મોક્ષ તો ઘણા માને છે પણ મોક્ષમાં શું માને છે? આના જેવી જ પણ આના કરતાં વધારે સારી લહેર હોય અને ત્યાં પણ બધું ખાવા-પીવાનું મળે, હરવા-ફરવાનું મળે ! હવે એને ક્યાં ખબર છે કે ત્યાં ઊંઘવાનુંય નથી ને ખાવાનું પણ નથી. ગાડીમાં ફરવાનું નહીં. કોઈની જોડે વાતો નહીં કરવાની ! ત્યારે કહે કે એવો મોક્ષ તો અમારે જોઈતો નથી ! આ બધું હોય ને મોક્ષ હોય તો કહો !! જગતના અજ્ઞાની જીવોને મોક્ષ શું છે, આત્માની શુદ્ધ અવસ્થા શું છે તેની ખબર નથી. નિરાવરણ આત્મા થાય અને જ્યાં સંપૂર્ણ વીતરાગતા અને સ્વરૂપસ્થતા પ્રગટ થાય ત્યારે કેવળજ્ઞાનમાં, પરમ શુક્લધ્યાનમાં જે આત્માના અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે, એ વેદનનું સુખ કેવું હોય?
મોક્ષનું સુખ જ્ઞાની પુરુષો કહે છે કે અનુભવ વગર સમજણમાં આવી શકે એમ નથી. તમે ગમે તેટલા ક્ષયોપશમના વિકલ્પ દ્વારા સમજવા જાઓ તો, મોક્ષના સુખને તમે સમજી નહીં શકો. અંશે પણ સ્વરૂપનું વેદન આવશે, આત્માના અતીન્દ્રિય આનંદની અનુભૂતિ અંશે પણ થશે ત્યારે કહી શકશો કે મને આ થોડો સમય માટે જે સુખ મળ્યું એવું અનંત સુખ અનંતકાળ માટે મળી શકે છે.
સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ. ૧૯
-શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૭૩૮ - ‘અપૂર્વ અવસર' એ સુખ અલૌકિક છે, અદ્ભુત છે. એ વાણીનો, ઈન્દ્રિયનો કે મનનો વિષય નથી. એવું સુખ ભગવાન સાદિ અનંતકાળ સુધી ભોગવે છે. એવો મોક્ષ છે એમ જ્ઞાનીઓ કહે છે.
વ્યવહારથી જીવ કર્મનો કર્તા છે, નિશ્ચયથી જીવ કર્મનો કર્તા નથી. અનુપચિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું અને કર્તાપણું હોવાથી ભોક્તાપણું પણ નિરૂપણ કર્યું. એ કર્તા-ભોક્તાપણું અનુપચરિત દૃષ્ટિથી કર્યું, પણ હવે શુદ્ધ નિશ્ચયદષ્ટિથી કહે છે કે તે