________________
પ૧૫
છ પદનો પત્ર એ જ્ઞાનનું ફળ છે અને સર્વ જીવ તરફ એકરસ વીતરાગદશા ના રાખવી અને રાગદશા કે દ્વેષદશા રાખવી એ અજ્ઞાનનું ફળ છે. તો સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય જન્મ, જરા, મરણ રહિત અસંગ સ્વરૂપ છે. એમાં સર્વ જ્ઞાન સમાય છે. આવું ભાન રહે એનું નામ જ્ઞાન અને તેની પ્રતીતિમાં સમ્યગુદર્શન સમાય છે. આત્માની આવી શ્રદ્ધા રહે એમાં સમ્યગદર્શન આવી જાય છે અને આત્માને અસંગ સ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્રચારિત્ર. આ પ્રમાણે આત્માને અસંગતાથી સ્વભાવદશા, સમાધિ પરિણામ, રત્નત્રયયુક્ત અભેદભાવ રહે એ સમ્મચારિત્ર છે. ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે; જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે. જન્મજરા-મરણના દુઃખોનો, આધિ-વ્યાધિ-ઉપાધિના દુઃખોનો ક્ષય છે.
પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઈને કહ્યું છે કે જતાં જતાં કુટુંબમાં રાગ ના કરશો. પરમાર્થનો વિકલ્પ પણ હવે નહીં. વીતરાગતા ચૂકી ગયા તો તમારું સમાધિમરણ ચૂકશો. ત્રણ પત્ર દ્વારા સોભાગભાઈને જાગૃત કર્યા છે અને છેલ્લે લખ્યું છે કે મોટા મુનિઓને પણ દુર્લભ એવી અસંગદશા સહિત સોભાગે સમાધિમરણ કર્યું છે. જતાં જતાં પણ, શિષ્યો પ્રત્યે કે ભક્તો પ્રત્યે કે સાધર્મિક પ્રત્યે કે કુટુંબ પ્રત્યે અલ્પ પણ રાગ રહી જાય તો જીવનું સમાધિમરણ બગડી જાય છે. એટલા માટે “શ્રી ભગવતી આરાધના' માં મૂક્યું છે કે સંઘના આચાર્યને પણ સમાધિમરણ કરવું હોય તો બીજા સંઘમાં જાય. કેમ કે, પોતાના સંઘમાં રહેલા શિષ્યો તરફ કંઈક એવો ભાવ આવી જશે અને મરણ બગડી જશે.
પ્રયોગાત્મક પુરુષાર્થ તો કરવો પડશે. સાંભળવાથી કામ નથી થઈ જતું. પણ જે ગુણનું વર્ણન જ્ઞાની પુરુષોએ શબ્દબ્રહ્મમાં મૂક્યું છે એ ગુણો અંશે અંશે આત્મામાં પ્રગટ થાય તો જ એના ફળના લાભનો સ્વાદ ચખાય. આપણને આત્માનું અતીન્દ્રિય સુખ જોઈએ છે, પણ કષાયભાવ ઘટ્યા પ્રમાણે આત્માનું સુખ મળવાનું છે. જેટલાં જેટલા પ્રમાણમાં કષાયનો જથ્થો મોળો પડ્યો, કષાયનું પરિણમન ઘટ્યું એટલા પ્રમાણમાં સુખની અને શાંતિની અનુભૂતિ છે અને જેટલા પ્રમાણમાં કષાય છે એટલા પ્રમાણમાં અશાંતિનો અનુભવ છે.
પરમકૃપાળુદેવે કહ્યું છે કે અવિષમભાવ વગર અમને પણ અબંધપણા માટે કોઈ અધિકાર નથી.
અવિષમભાવ અમે જો ના રાખીએ તો અમને પણ બંધ પડે એ હકીકત છે. કોઈપણ જીવ હોય તો બંધ પડે. હું જે કંઈ કરું છું એનું ફળ મને મળવાનું છે. સારું કરું તો સારાનું ફળ