________________
૫૧૧
છ પદનો પત્ર
કષાય ના કરવો એવો નિયમ લેવાથી કષાય ના થાય એવું તો બનવાનું નથી. કેમ કે, એ તો સંપૂર્ણ વીતરાગ અવસ્થામાં છૂટવાના છે. જે ભૂમિકામાં છીએ એ ભૂમિકાને અનુરૂપ કષાય થવાના, પણ આપણે એને પોષવાના નથી. થવાના એટલે એનો અર્થ એમ નથી કે આપણે જાગૃતિ ના રાખવી, પણ કોઈને એમ થાય કે મને કેમ થાય છે ? ના થવા જોઈએ. તો એ વાત ખોટી છે. હજી આત્મજ્ઞાન પણ નથી થયું. એટલે ૨૫ પ્રકારના કષાયમાંથી એકે ના થાય એવું તો બનવાનું નથી, પણ થતી વખતે, થતાં પહેલા અને થયા પછી એનો ખેદ કે પશ્ચાત્તાપ હોય તો કર્મનો અનુભાગ અને સ્થિતિ મંદ પડે. માટે એટલું તો આપણે કરી શકીએ કે જે કાંઈ થઈ ગયું છે તેની આપણે સદ્ગુરુ પાસે ક્ષમા માંગીએ અને પ્રાયશ્ચિત્ત માંગીએ. પ્રાયશ્ચિત્ત આપનારા તો આચાર્ય ભગવંત છે. બીજા તો કોઈ સામાન્ય જીવો પ્રાયશ્ચિત્ત આપી શકતા નથી. એવા કોઈ ઉત્કૃષ્ટ દશાવાન આચાર્ય ભગવાન હોય એમની પાસે જઈ અને પૂર્વે આપણા કષાય કે વિષયને આધીન થઈને જે કંઈ દોષ થયા છે, એ બધાનું તેઓ કહે એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવાનું અને તેઓ આજ્ઞા આપે એ પ્રમાણે પ્રત્યાખ્યાન કરવાના.
જો અનંતાનુબંધી કષાયનો અભાવ થાય ત્યાર પછી આગળ એને એકદેશ વ્રત અંગીકાર કર્યા વગર અપ્રત્યાખ્યાનાવરણ કષાય નથી જતા. તે પ્રકારની આત્માની દશા છે. થોડો વધારે આત્માનો અનુભવ થાય ત્યારે ચોથામાંથી પંચમ ગુણસ્થાનમાં આવે છે. એની સંવર, નિર્જરા પણ વિશેષ થાય છે. એ અંતરંગ કારણ થયું અને બહારમાં એને અનુરૂપ શ્રાવકનાં બાર વ્રતો અથવા અગિયાર પ્રતિમાઓ ધારણ કરે છે. એમ બહારમાં અને અત્યંતર એનો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
· શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૧૦
-
જેટલા અંશે સમદર્શીપણું એટલે અંશે અહિંસાદિ વ્રત હોય. જેટલા અંશે અહિંસાદિ વ્રત હોય એટલા અંશે સમદર્શીપણું હોય. તો સમદર્શીપણું એટલે સમતા અને વ્રતને પણ સંબંધ છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. વીતરાગતા વધારવી હોય તો, બહારમાં પણ વ્રત-નિયમને અંગીકાર કરો. કેમ કે, આપણું જીવન અસંયમી છે. ઈન્દ્રિયોનો પણ અસંયમ છે અને છ કાયના જીવોની આપણે રક્ષા કરી શકતા નથી. તો એ પણ કષાય છે અને કષાયનું ફળ આપણને ચાલુ છે. આપણે અવિરતિપણું ક્યાં રોક્યું છે ? તો અવિરતિપણું રોક્યા વગર આગળના કષાય ક્યાંથી