________________
૪૭૦
છ પદનો પત્ર
મુમુક્ષુ : સમ્યગુદર્શન થતાં ભાવકર્મ જુદું ભાસે?
સાહેબ ભાવકર્મએટલે રાગાદિ ભાવ. સમ્યગદર્શન થતાં તે મારાં નથી, એવું અંતરમાં સ્પષ્ટ ભાસે છે. નોકર્મ એટલે શરીરાદિ, દ્રવ્યકર્મો એટલે આઠ કર્મો અને ભાવકર્મ એટલે શુભાશુભ ભાવો – આ બધામાંથી મારું અસ્તિત્વ જુદું છે. આ બધાયનો હું જાણનારો જોનારો છું. હું અવિનાશી, શાશ્વત છું અને આ બધા નાશવંત છે. શરીરાદિ નોકર્મ પણ નાશવંત છે. દ્રવ્યકર્મ પણ નાશવંત છે અને ભાવકર્મ પણ નાશવંત છે અને તેને જોનારો હું શાશ્વત છું. તેને જોતાં જીવને અંદરમાં ભાન થઈ જાય છે. એટલે જ્યારે હવે છેલ્લી પથારીએ પડો ત્યારે બહુ ગભરાટ કરશો નહીં. એટલે એ વખતે છ પદનો પત્ર સાંભળજો અથવા કેસેટો સાંભળજો અને અંદરમાં આત્માના અવિનાશી સ્વરૂપ પ્રત્યે દૃષ્ટિ લઈ જજો કે,
ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ.
- શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૭૦ આ ગાથા સાંભળતા અંદરમાં, ઉપયોગમાં આવી જવાનું કે ચેતનનો નાશ નથી. કેન્સરથી કદાચ શરીરનો નાશ થશે, એ ગમે તેટલું પ્રસરશે તો શરીરમાં પ્રસરશે. આત્માના એક પ્રદેશમાં એ પ્રસરવાનું નથી. માટે ગભરાવાની કોઈ જરૂર નથી. સ્વસ્થતા રાખીને નીકળી જવાનું છે. જો આ જ્ઞાન ટકે તો સ્વસ્થતા રહે. અસ્વસ્થતા થવાનું કારણ એ કે જ્ઞાન ગેરહાજર થઈ જાય છે. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે હાજર રહે. ગેરહાજર રહે તો ખોટું. અત્યારે સાંભળ્યું, પણ તે વખતે કામ આવે તો કામનું.
મુમુક્ષુ એ વખતે જો બેભાન હોય તો?
સાહેબ : બેભાન હોય તો પણ અવ્યક્તપણે અંદરમાં રહે. જ્ઞાની પણ બેભાન થાય છે કે નહીં? પણ જેને એક વખત જુદું પડી ગયું છે એ બેભાન થાય તો પણ અંદરમાં એકત્વપણું ના થાય. જ્ઞાન જ્ઞાનનું કામ તો કરવાનું ને? બેભાન તો દેહ થયો છે. આત્માનો જ્ઞાન ગુણ તો કામ કરે છેને? આ તો બેભાન શરીરથી થયો છે. સિદ્ધ ભગવાનને તો શરીર નથી, તો પછી એમને ભાન રહે કે ના રહે? શરીર વગરનાને ભાન હોય કે ના હોય? અંદરમાં અવ્યક્તપણે ચાલે છે. તમે ઊંઘી જાઓ છો તો બેભાન જ છો ને. તો અંદરમાં ભાવ કરો છો કે નથી કરતા? સારા