________________
૪૫૮
છ પદનો પત્ર
- દુઃખનો અનુભવ જડમાં નથી, એના દ્વારા જે વસ્તુ બને તેમાં જાણવું - દેખવું આવી શકે નહીં. દૂધમાંથી પેંડા બને એ બરાબર છે અને એના ગુણધર્મ પેડામાં આવે. પણ, ઈલાયચી ના નાંખી હોય તો તેનો સ્વાદ આવે નહીં. કેમ કે, તેના ગુણધર્મો તેમાં ભળ્યા નથી. માટે, પૃથ્વી, જળ, વાયુ, આકાશ, અગ્નિ એ પંચભૂત જડ છે. તે પદાર્થો ગમે તેટલા ભેગા થાય તો પણ તેમાં જોવા, જાણવાનું કામ બની શકતું નથી. એટલે ચેતનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે ઘટપટઆદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તેવી જ જાતિના થાય, અર્થાત્ જડ સ્વરૂપ થાય, પણ ચેતન સ્વરૂપ થઈ શકે નહીં.
શરીરમાં કોઈ વિપરીતતા આવી જાય કે તીવ્રઅશાતાનો ઉદય આવી જાય ત્યારે આપણા ગભરાટનો પાર નથી રહેતો. કેમ કે, આપણે દવાખાનામાં અને ડૉક્ટરમાં દોડધામ કરી દઈએ છીએ. સંયોગનો વિયોગ થવાનો એ શું ડૉક્ટર અટકાવી શકવાના? નથી અટકાવી શકવાના. રોગ શરીરમાં થાય છે અને ચિંતા આત્માને કેમ થાય છે? કારણ કે, દેહાધ્યાસ છે, દેહમાં એકત્વપણાની ભ્રાંતિ છે. એના કારણે એમ થાય છે કે હવે હું મરી જઈશ. મને કેન્સર થઈ ગયું છે. હવે આ દુઃખ મારાથી સહન નથી થતું. દુ:ખ છે તેનું કારણ ઉપયોગ ત્યાં જોડાયેલો છે. નહીં તો ગમે તેવું કેન્સર હોય, દેહની અશાતા હોય, પણ ઉપયોગ એ બાજુ જોડાયો ના હોય તો દુઃખનું વેદન પણ તે વખતે નથી. માટે નિત્યપણામાંથી આપણને ઘણો બોધ મળે છે કે મારું સ્થળાંતર થશે, પણ મારો નાશ થવાનો નથી. સ્થળાંતર અનાદિકાળથી છે અને જ્યાં સુધી કર્મનો સંયોગ છે ત્યાં સુધી તે રહેવાનું. કર્મ છે ત્યાં સુધી હલન-ચલનની ક્રિયા બંધ નથી થવાની. એટલે જન્મ-મરણની ક્રિયા પણ બંધ થવાની નથી. માટે કર્મોથી ગભરાવાની જરૂર નથી. કેમ કે, ગમે તેટલા કર્મોના ઉદય હોય તો પણ તે આત્માનો નાશ કરવાને શક્તિમાન થઈ શકતા નથી. ગમે તેવા શસ્ત્રો પણ આત્માનો નાશ કરી શકે એવી તાકાતવાળા નથી.
આ વાત જેને અંદરમાં બેસી જાય છે તે ગભરાટ કર્યા વગર નિર્ભયતાથી પોતાના સ્વરૂપના ધ્યાનમાં વર્તી શકે છે અને જે ગભરાઈ જાય છે તે આકુળવ્યાકુળ બની, ભય પામી અને મૃત્યુને બગાડી અસમાધિમરણ કરીને ચાલ્યા જાય છે. ગમે તેટલું ડૉક્ટર કહે કે તમને કેન્સર થઈ ગયું છે. હવે અંદરમાં કંઈ નથી, ત્યારે પણ ઘરવાળાને કહેવું કે શાંતિ રાખો, કેન્સર મને થયું નથી, પડોશીને થયું છે. નાશ મારો નથી, નાશ પડોશીને છે. કેમ કે, એ સંયોગથી બન્યો છે. મારું માત્ર સ્થળાંતર છે. તે તો હું અનાદિથી કરતો આવ્યો છું. એમાં કંઈ નવું નથી.