________________
છ પદનો પત્ર
એટલે જ્ઞાનગુણને મુખ્ય કરી, જીવદ્રવ્યને સમજાવવા માટે કહ્યું કે જ્યાં જ્યાં જ્ઞાન ત્યાં ત્યાં આત્મા અને જ્યાં જ્યાં આત્મા ત્યાં ત્યાં જ્ઞાન. માટે ભેદ દૃષ્ટિથી જ્ઞાન એ જ આત્મા. અભેદ દૃષ્ટિથી અનંત ગુણોનો અભેદ પિંડ તે આત્મા. બંને દૃષ્ટિથી સમજવાનું છે. એકલું જો જ્ઞાન જ્ઞાન કરીએ, પાછા બીજા ગુણોનો સ્વીકાર ન થાય તો પણ એમાં દોષ આવી જાય છે, તે દોષ આત્મતત્ત્વની શ્રદ્ધામાં આવી જાય છે. માટે લક્ષણથી જાણીએ તેટલો જ આત્મા નથી. અમુક ગુણો એવા છે કે જે લક્ષણ દ્વારા બોલી શકાતા નથી, લખી શકાતા નથી કે કહી પણ શકાતા નથી. એવા એ અનંત ગુણો છે કે જે ગુણોનું વર્ણન થઈ શકતું નથી અને લખાણ પણ થઈ શકતું નથી અને મનમાં વિચાર પણ આવી શકતો નથી. એવા એ અનંત ગુણો આત્મામાં છે. જે કેવળજ્ઞાની ભગવાન અનુભવી રહ્યા છે. માટે આ તો સામાન્ય અપેક્ષાએ આપણને પહેલા પકડાય અને ધીમે ધીમે આપણે આગળ જઈએ તેટલા માટે આપણને લક્ષણો બતાવવામાં આવ્યા છે. સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ. હવે આગળ કહે છે.
૪૫૦
સુખાભાસ :- શબ્દાદિ પાંચ વિષય સંબંધી અથવા સમાધિ આદિ જોગ સંબંધી જે સ્થિતિમાં સુખ સંભવે છે તે ભિન્ન ભિન્ન કરી જોતાં માત્ર છેવટે તે સર્વને વિષે સુખનું કારણ એક જ એવો એ જીવ પદાર્થ સંભવે છે, તે સુખભાસ નામનું લક્ષણ, માટે તીર્થંકરે જીવનું કહ્યું છે; અને વ્યવહારદૃષ્ટાંતે નિદ્રાથી તે પ્રગટ જણાય છે. જે નિદ્રાને વિષે બીજા સર્વ પદાર્થથી રહિતપણું છે, ત્યાં પણ હું સુખી છું એવું જે જ્ઞાન છે, તે બાકી વધ્યો એવો જે જીવ પદાર્થ તેનું છે; બીજું કોઈ ત્યાં વિદ્યમાન નથી, અને સુખનું ભાસવાપણું તો અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે જીવ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય તે લક્ષણ જોયું નથી.
પહેલું જ્ઞાન, હવે આનંદ. દરેક ગુણ છે તેનું વેદન તો આવવાનું. કોઈપણ ગુણ છે તેનું કામ અટકી નથી ગયું. દરેક ગુણનું પરિણમન ચાલે છે. દરેક ગુણની અવસ્થાઓ થયા કરે છે. આનંદ નામનો એક ગુણ આત્મામાં રહેલો છે. તે આનંદગુણનું પરિણમન પણ સમયે સમયે ચાલે છે. એ આનંદગુણ સ્વભાવરૂપે પરિણમતો હોય છે, ત્યારે સમાધિમાં અતીન્દ્રિય આનંદના સુખની અનુભૂતિ આવે છે અને જ્યારે વિભાવરૂપે પરિણમતો હોય છે, નિર્વિકલ્પ સમાધિમાંથી ખસી જાય છે અને કોઈપણ પાંચ ઈન્દ્રિયના વિષયમાં ઉપયોગ લાગેલો હોય છે અને તેમાં પણ અનુકૂળતામાં લાગેલો હોય છે ત્યારે જે સુખ જણાય છે તે સુખભાસ નામનું લક્ષણ છે, પણ છે આત્માનું. પહેલો આત્મા છે. આત્મા ના હોય તો ઈન્દ્રિયનું સુખ પણ જાણી શકાતું નથી.