________________
ક્ષમાપના
૩૮૯
આત્માથી સૌ હીન. આત્મા સિવાયનું બધું ફિક્કુ લાગવું જોઈએ. “કર વિચાર તો પામ વસ્તુસ્વરૂપ સમજવા જે ઊંડો વિચાર કરવામાં આવે તે સૂક્ષ્મ વિચાર છે. ક્યાં સુધી ઊંડો વિચાર કરવામાં આવે? જેમ સાકર દરિયાનું માપ લેવા જાય ને ઓગળી જાય તેવી રીતે મન આત્માનું ચિંતન કરતાં કરતાં આત્માની અંદર ઓગળી જાય.
વસ્તુ વિચારત ધ્યાવતે, મન પાવે વિશ્રામ પાવત; રસસ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકો નામ.
– શ્રી સમયસાર નાટક આનું નામ અનુભવ છે. પરમકૃપાળુદેવે ક્ષમાપનાના પાઠમાં એકલું માખણ આપ્યું છે. જેમ લાલ માંકડાઓ ઝીણી ઝીણી જૂને પકડી પકડીને કાઢી નાખે, તેમ પરમકૃપાળુદેવે બધાય દોષોને પકડી પકડીને બહાર કઢાવ્યા છે. સૂક્ષ્મ વિચાર એ કહેવાય કે જેમાં વિચારનો અંત આવી જાય અને નિર્વિચાર દશામાં, સ્વસંવેદનમાં આત્મા પકડાય અને બુદ્ધિપૂર્વકના બધા વિચાર છૂટી જાય. અબુદ્ધિપૂર્વકના તો છેક બારમા ગુણસ્થાનક સુધી ચાલવાના. મૃતનું અવલંબન અબુદ્ધિપૂર્વક ચાલવાનું..પ્રથમ વિચાર, પછી ધ્યાન. ધ્યાનમાં નિર્વિકલ્પતા – સ્વસર્વેદનતા એનું નામ “પામ.” કિવા પામ્યો તે નિજસ્વરૂપ, મૂળ મારગ સાંભળો જિનનો રે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક – ૭૧૫ નિજસ્વરૂપ પામ્યો ત્યારે કહેવાય કે જ્યારે “રસસ્વાદત સુખ ઉપજે.”અતીન્દ્રિય આનંદના રસની અનુભૂતિ સાથે હોવી જોઈએ, કાલ્પનિક નહીં. “સર્વગુણાંશ તે સમ્યક્ત્વ.”સુખગુણનું, આનંદગુણનું પણ પરિણમન ચાલે છે. તેનો પણ અંદરમાં રસ આવે છે. એક બરફના ગોળામાં સો શરબત છાંટ્યા હોય અને તમે તે ગોળો ચૂસો તો સો યે શરબતનો સ્વાદ આવવો જોઈએ. સર્વ શરબતાંશ તે ગોળો. મન વિશ્રાંત થઈ જાય, મનની વિકલ્પની દોડાદોડ પણ મટી જાય, મન શાંત થઈ જાય ત્યારે “રસસ્વાદત સુખ ઉપજે” એનું નામ અનુભવ છે. એટલે “ક્ષયોપશમ જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. 'વિકલ્પાત્મક જ્ઞાનથી નિવેડો નથી, પણ નિર્વિકલ્પ જ્ઞાનથી નિવેડો છે. એનું નામ અનુભવ છે.