________________
ક્ષમાપના
દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય ?
— શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૨૬૪ - ગાથા - ૧૮ - ‘વીસ દોહરા’
૩૭૯
જેમ આપણો ચહેરો જોવો હોય તો દર્પણ સામે રાખવું પડે, તેમ આત્માનો ચહેરો જોવો હોય તો પરમાત્માનું દર્પણ સામે રાખવું પડે, કારણ કે તેઓ નિષ્કલંક છે અને આપણે સકલંક છીએ. તો કયા કયા કલંકો, ડાઘાઓ લાગ્યા છે કે જેને આપણે સાફ કરવાના છે ? જેથી આપણે પણ તેમના જેવા નિષ્કલંક થઈ શકીએ. બીજાના દોષો તો આપણે અનાદિકાળથી ઘણા જોયા છે પણ આપણા દોષોને જોયા નથી અને જોયા તો પણ છાવર્યા છે, પોષ્યા છે. એને કાઢવાનો પ્રયત્ન નથી કર્યો. એટલે આપણું પરિભ્રમણ આજ દિન સુધી ચાલુ રહ્યું છે.
ભગવાન અઢાર દોષોથી રહિત છે એનો જ વિચાર કરો અને એ અઢાર દોષોમાંથી આપણામાં કેટલા દોષ છે એ જુઓ. અઢાર તો મુખ્ય છે, બાકી તો ઘણાં છે. જેટલા ગુણો છે એનાથી જેટલું જેટલું વિરુદ્ધ પ્રવર્તન થાય છે એ બધા દોષો જ છે. ભગવાનનું અંતર કેવું છે તે સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. ભગવાનને અંદર અને બહાર બધું એકરૂપ છે. ભગવાનનું અંતઃકરણ નિર્મળ છે. ભગવાનના ઉપયોગ ઉપર ઉપયોગ મૂકીને જુઓ તો ભગવાનનો ઉપયોગ પોતાના સ્વરૂપની અંદરમાં તદાકાર છે. ‘નિજાનંદ રસલીન.’ અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત આનંદમય, અનંત શાંતિમય, અનંત સમતામય ઉપયોગ છે, પૂર્ણ વીતરાગતા છે. આ સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. કેમ કે, આપણે પણ ભગવાન જેવા જ આત્મા છીએ અને ભગવાન પણ પહેલા આપણા જેવા જ હતા.
જિનપદ નિજ઼પ્રદ એકતા, ભેદભાવ નહિ કાંઈ; લક્ષ થવાને તેહનો, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ.
– શ્રીમદ્ રાજચંદ્ર – પત્રાંક - ૯૫૪-૧/૩ - ‘અંતિમ સંદેશ’
ભગવાનનું સ્વરૂપ જણાય તો પોતાનું સ્વરૂપ જણાયા વગર રહે નહીં. ભગવાનના ગુણો જણાય તો એ ગુણો પ્રગટ કર્યા વગર જીવ રહે નહીં, જો એ સાચા જણાય તો. ભગવાનની દશા ઓળખાય તો પોતાની દશા પણ તેવી કર્યા વગર જીવ રહે નહીં.
જે જાણતો અરિહંતને, દ્રવ્યત્વ ગુણ પર્યાયપણે; તે જાણતો નિજ આત્મને, તસુ મોહ પામે લય ખરે.
-
– શ્રી પ્રવચનસાર - ગાથા - ૮૦