________________
૩૩૦
ક્ષમાપના
દુઃખી. તીર્થયાત્રામાં તમે જાવ તો એ રઝળ્યો ના કહેવાય, બાકી પરવશપણે રઝળ્યો. રઝળવું નહોતું છતાંય રઝળ્યો. મોક્ષે જવું હતું છતાં મિથ્યાત્વ ભાવયુક્ત વર્યો એટલે રઝળ્યો. અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. અહો ! મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર રહેલો છે. મિથ્યાત્વ સહિત તમે ગમે તે સારી પ્રવૃત્તિ કરો કે ધર્મની પ્રવૃત્તિ કરો, એમાં સંતોષાઈ જવા જેવું નથી એમ જ્ઞાની પુરુષો કહે છે. મિથ્યાત્વને રાખીને બધું કર્યું છે એ મોટામાં મોટી ભૂલ છે. મિથ્યાત્વને કાઢીને કંઈ કર્યું નથી.
મિથ્યા-આદિક ભાવને, ચિરકાળ ભાવ્યા છે જીવે; સમ્યક્ત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.
– શ્રી નિયમસાર - ગાથા- ૯૦ મિથ્યાત્વમાં જે ત્યાગ કર્યો, તપ કર્યું, શાસ્ત્રજ્ઞાન કર્યું, ધર્મની ઘણી ક્રિયાઓ કરી. એ બધી મોક્ષમાર્ગમાં કાર્યભૂત બની નહીં. એની ભગવાન પાસે ક્ષમા માંગે છે. કેટલું દુઃખ લાગ્યું છે ત્યારે આ વચનો નીકળ્યા હશે! તમે તો બોલી જાવ છો, નીકળ્યા નથી. સ્મૃતિમાં રાખીને તમે બોલો છો. પાતાળ ફાડીને જે પાણી નીકળે તે ખૂટે નહીં અને પાતાળ વગરના કૂવા ઉનાળામાં સૂકાઈ જાય. આ ક્ષમાપના બોલનારને જયારે આત્મજ્ઞાન થયું ત્યારે કેટલું દુઃખ લાગ્યું હશે કે
ઓહોહો ! મેં આટલી મોટી ભૂલ કરી કે મારા સ્વરૂપને ઓળખું નહીં અને ફક્ત ધર્મની બાહ્ય ક્રિયાઓમાં મોક્ષમાર્ગ માન્યો ! કેટલું દુઃખ લાગ્યું હોય, કેટલી તત્ત્વની અંદરમાં યથાર્થતા ભાસી હોય ત્યારે આ વચનો અંદરમાંથી નીકળે.
કોઈ વખત સાસુ-વહુ ઝઘડ્યા હોય, તેમાં સાસુ એની વહુને કહે કે મૂઈ, તારી માં મરી કેમ ન ગઈ? તો વહુ પણ આવેશમાં આવી જાય અને કહે કે તારી સાત માં કેમ મરી ગઈ નહીં? કેટલું અંદરમાં દુઃખ લાગ્યું હોય ત્યારે આવા વચનો નીકળ્યા હોય ! એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સાચું સમજાય છે કે મેં અજ્ઞાનમાં કેટલું દુઃખ ભોગવ્યું છે ! એક તો અજ્ઞાન એ જ દુઃખ છે અને તેના કારણે જે અશુભ પ્રવૃત્તિઓ કરી અને અધોગતિમાં દુઃખ ભોગવ્યા. સંસાર અત્યંત દુ:ખરૂપ લાગે ત્યારે ત્યાંથી પ્રીતિ ખસે એવું છે. સંસાર અત્યંત દુઃખરૂપ, બંગલા અત્યંત દુઃખરૂપ, દેહ અત્યંત દુઃખરૂપ આ બધી સંસારની વસ્તુઓ દુઃખરૂપ લાગવી જોઈએ. પરમકૃપાળુદેવે લખ્યું છે કે લોકોને યમ અંતકાળે દુઃખરૂપ નહીં લાગતો હોય, પણ અમને આ સંગ મહાદુઃખરૂપ લાગે છે.” સંગમાં ચોવીશે પ્રકારના પરિગ્રહ લઈ લેવાના. દસ પ્રકારના બાહ્ય, ચૌદ પ્રકારના અત્યંતર એ બધા સંગ છે. આપણને કોઈ દિવસ સંસારમાં અત્યંત દુઃખ લાગ્યું છે? એટલા