________________
ક્ષમાપના
૨૭૯
આનું નામ લક્ષમાં લીધું કહેવાય. જો રાગ-દ્વેષ, મોહભાવનો અંશે પણ નાશ ન થાય અને પહેલા હતો એવો ને એવો, કોરેકોરો રહે તો પચાસ વર્ષ સુધી ગમે તેટલી સાધના કરી હોય તો પણ તેણે એ લક્ષમાં લીધી કહેવાય નહીં. આ દુર્લભ વસ્તુ છે પ્રભુ! શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર' માં કહ્યું છે,
चत्तारि परमंगाणि दुल्हाणि ह जंतुणो ।
माणुषत्तं सूई सध्धा संजमम्मिअ वीरियं । ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાને ચાર બાબતો દુર્લભ બતાવી. એક તો મનુષ્યનો ભવ, માનવભવ મળ્યા પછી જ્ઞાનીનો યોગ થવો એ વધારે દુર્લભ. બીજા બધા યોગ થશે - ભૌતિક સુખ અને પદાર્થોના - પણ જ્ઞાનીઓના યોગ થવા બહુ દુર્લભ છે. યોગ થયા પછી એમનો બોધ મળવો દુર્લભ. બોધ મળ્યા પછી એમાં શ્રદ્ધા થવી દુર્લભ અને શ્રદ્ધા થયા પછી એ માર્ગે - ચારિત્રમાર્ગે ચાલવું એ એના કરતાં પણ વધારે દુર્લભ છે. અનંતાનંત જીવોમાંથી મનુષ્યની સંખ્યા કેટલી છે? પોઈન્ટ મૂકીને અબજો ટપકાં કરો અને પછી છેલ્લે એકડો કરો, એટલી પણ સંખ્યા અનંતાનંત જીવોની અપેક્ષાએ મનુષ્યની નથી. એટલો મનુષ્યભવ દુર્લભ છે.
અનંતકાળમાં મનુષ્યનો જન્મ અને જિનેન્દ્રનો ધર્મપ્રાપ્ત થવો પરમદુર્લભ છે. દુર્લભતાનું હજી તત્ત્વદૃષ્ટિથી માહાત્મ નથી આવ્યું; નહીં તો એક સમય પણ આત્મકલ્યાણ સિવાય એ ગુમાવે નહીં. બેઠો હોય તો “નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં' કરશે. વિકથાઓની અંદર, પ્રમાદની અંદર, વિષયોની અંદર, કષાયોની અંદર, આરંભની અંદર, પરિગ્રહની અંદર બધો સમય વેડફાઈ જાય છે. એનાથી પાપાસ્રવ થાય છે, પાપબંધ થાય છે. તારી ગતિ બગડી જશે અને તને મહાદુઃખનું કારણ થશે. સાપ દરમાં જાય છે ત્યારે સીધો થાય છે. જ્ઞાની કહે છે કે હવે તો તું સીધો થા ! ક્યાં સુધી આડો ચાલીશ? આડો ચાલીશ તો આડા થવું પડશે. આડા કોણ હોય? તિર્યંચો. અત્યારે તને દોડવા માટે બે પગ ઓછા છે, પછી તને ચાર આપશે અને એ ય ઓછાં પડશે તો કાનખજૂરાના ઘણા પગ આપશે તને. તત્ત્વદષ્ટિથી વિચારો કે અત્યાર સુધીનો મારો મનુષ્યભવ ખરેખર આત્મહિતમાં ગયો છે કે બીજા કર્તવ્યમાં મેં ગુમાવી દીધો છે. ભલે પાંચ, પંદર કે પચ્ચીસ વર્ષ બાકી હશે તો એમાં ૧/૩ ભાગ તો ઊંઘના છે. આ તો એફ.ડી. છે! આઠ કલાક-સાત કલાક તો ઓછામાં ઓછા ઊંઘમાં કાઢે છે, પછી ઘરમાં, ધંધામાં, વ્યવહારમાં વગેરે. એ બધાને બાદ કરતાં કરતાં માંડ પા-અડધો કલાક બચે અને એ વખતે તમને કોઈ ભાવ” થાય તો તમે નવકારમંત્રની માળા ફેરવી લો, બાકી તો કાંઈ નથી કરતા!