________________
૨૬૮
ક્ષમાપના
જો આ તત્ત્વ સમજાય તો તમારી અંતરંગ શાંતિનો ભંગ, ગમે તેટલા મરણાંત ઉપસર્ગ-પરિષહો આવશે તો એમાં પણ નહીં થાય. કાયમ માટે તમારી અંતરંગ શાંતિ જળવાઈ રહેશે. કેમ કે, અત્યાર સુધી આપણે બીજા દ્રવ્યથી મારું હિત કે અહિત થયું છે એમ જ માન્યું છે. આ અજ્ઞાનથી એમ માન્યું છે કે અમુકથી મારું હિત થયું અને અમુકથી મારું અહિત થયું! પણ, મારું હિત મારા “ભાવ” થી થયું છે અને મારું અહિત પણ મારા ભાવથી થયું છે, બીજાથી નહીં. તો જે અહિતમય ભાવ છે એને છોડો. રાગ, દ્વેષ, મોહમય પરિણામો છે તેનાથી અહિત થાય અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણામો છે એનાથી હિત થાય છે. તો જે ભાવથી હિત થાય છે એ ભાવને પ્રગટ કરો અને જે ભાવથી અહિત થાય છે એ ભાવને છોડો. એ ભાવને નહીં છોડો તો તમારું હિત કોઈ કરી શકે તેમ નથી. જેનાથી આત્માનું અહિત થાય છે એ અહિતમય ભાવો આપણે છોડીએ નહીં તો સાક્ષાત્ ભગવાન આવે, ગુરુ આવે કે જગતનો કોઈપણ જીવ આવે કે ઘરવાળા આવે કે બહારવાળા આવે એ તમારું હિત કરી શકે નહીં.
છૂટવાના કામીને ભગવાન બાંધતો નથી અને બંધાવાના કામીને ભગવાન છોડતો નથી.” તમે અત્યાર સુધી છૂટવાના કામી થઈને પ્રયત્ન કર્યો પણ હકીકતમાં તો બંધાવાના જ કામી હતા. છૂટવાના કામી હોય એ રાગ-દ્વેષ કરે? એ મોહ કરે? એ પરને પોતાનું માને? પરનું કર્તુત્વપણું - ભોસ્તૃત્વપણું હોય? પરમાં એને અહમ્-મમત્વપણું થાય? પરમાં એને ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ થાય? આમ, પાછા ના પણ પાડો છો અને પાછા હા પણ પાડો છો ! બેય બાજુ ઢોલકી વગાડો છો! એટલે સ્વાધ્યાય કરતી વખતે આત્મા જુદો, ઘરનો આત્મા જુદો, દુકાનનો આત્મા જુદો, દુશ્મન સાથેનો આત્મા જુદો, મિત્ર સાથેનો આત્મા જુદો ! આ કાચિંડાની જેમ આપણે રંગ બદલ્યા કરીએ છીએ. આ મૂળ ભૂલ છે કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. એનાથી અનંતકાળથી જન્મ-જરા-મરણના ફેરા ચાલુ છે. અનંતવાર ઘણી સાધનાઓ, ધર્મ કર્યો છતાંય જન્મ-જરા-મરણના ફેરા ટળ્યા નહીં, કેમ કે રાગ-દ્વેષ મૂક્યા નહીં.
જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતું; કારણ તેના બે કહ્યાં, રાગ-દ્વેષ અણહેતુ.
– શ્રીમદ્ રાજચંદ્ર - આંક - ૧૫ કારણ વગરના રાગ-દ્વેષ ! તમારું કોઈ ઈષ્ટ કરે અને તમે એનામાં રાગ કરો તો ઠીક છે. કોઈ તમારું અનિષ્ટ કરે અને તમે એના પ્રત્યે દ્વેષ કરો તો ઠીક છે, પણ જગતનો કોઈ જીવ કે પદાર્થ તમારું ઈષ્ટ કે અનિષ્ટ કરતો નથી અને છતાંય તમે રાગ-દ્વેષ કરો છો, તો તેનું કારણ અજ્ઞાન, મિથ્યાત્વ અને મોહ છે.