________________
૨૬૬
ક્ષમાપના
સુધી અજ્ઞાન અને અસંયમમાં રહીશું ત્યાં સુધી થવાની, પણ એ બધી ભૂલોની અંદરમાં મૂળ ભૂલ કઈ છે એ વિચારવાનું.
શ્રીમદ્ભુએ વચનામૃત પત્રાંક - ૧૦૮ માં કહ્યું છે, “તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.’’ આ જ દોષ મોટો છે. અનંતકાળમાં કહેવાતા ધર્મો અનંતવાર કર્યા, અનંતવાર સાધુ થયા તો પણ આ ભૂલ નીકળી નહીં. આપણી વાત ચાલે છે. અનંતવાર દિગંબર સાધુ થયા, નવ-નવ ત્રૈવેયક સુધી ગયા, તો પણ પરમાંથી અહમ્-મમત્વપણાની ભૂલ હતી એ નીકળી નહીં. આત્મા જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે એને ઓળખ્યો નહીં અને ઓળખીને સ્વરૂપમાં સમાવાની પ્રક્રિયા કરી નહીં, એટલે આ રખડ્યા છીએ. એટલે આ બધા દુઃખો ભોગવ્યાં છે.
તત્ત્વ કોઈ સંપ્રદાયનું નથી, તત્ત્વમાં કોઈ સંપ્રદાય નથી. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ કોના ? જૈનોના કે અજૈનોના? જૈનોમાં દિગંબરોના કે શ્વેતાંબરોના ? તત્ત્વ કોઈના નથી પ્રભુ ! મોક્ષની કોઈને ‘માઁનોપોલી’ આપી દીધી નથી, સમ્યગ્દર્શનની કોઈને ‘માઁનોપોલી’ આપી દીધી નથી. ચારે ગતિના જીવો સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે. નારકીના જીવો પણ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકે છે, કોઈપણ નાત-જાતનો હોય, પણ જો એની પાસે તત્ત્વની યથાર્થતા હોય તો એ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી છે અને ભલે ઊંચામાં ઊંચી નાતનો કે જાતનો હોય, પણ એની પાસે તત્ત્વની વિપરીતતા હોય તો એ સમ્યગ્દર્શનનો અધિકારી બની શકતો નથી.
અહીં કહે છે કે વ્યવહારમાં કંઈ દોષ થયો હોય તો એમ કહેવાય છે કે હું બહુ ભૂલી ગયો, હવે ફરીને ભૂલ નહીં કરું, પરંતુ અહીં જે દોષ અથવા ભૂલ કહેવી છે તે સર્વ ભૂલની મૂળ ભૂલ, સૈદ્ધાંતિક ભૂલ છે કે જેના કારણે અનાદિકાળથી સંસારમાં રખડવું પડે છે, જન્મ-મરણ થયા કરે છે; તે એ કે ‘અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું.' આ ક્યારની વાત ચાલે છે ? અત્યારની વાત ચાલે છે. આપણે અન્યને પોતાનું માન્યું કે આ શરીર તે હું છું, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું જૈન છું વગેરે. આ ભૂલ છે એમ કહે છે. આ માનવું એ ભૂલ છે. હું આત્મા છું અને આત્મા સિવાય કશું મારું નથી. ઊંધમાં પણ આત્મા સિવાય અન્યને પોતાનું માને ! એ મિથ્યાત્વના સંસ્કાર ઊંઘમાંય કામ કરતા હોય છે. ડગલે ને પગલે મેં ખાધું, મેં પીધું, હું ચાલ્યો, હું સૂઈ ગયો અને પછી હું દુકાને ગયો, પછી મેં આ કામ કર્યા. આ બધી પરની ક્રિયા છે.