________________
૨૨૮
શું સાધન બાકી રહ્યું ?
દિન દિન બઢત સવાયો.
સહજપણે વધે, કહેવું ના પડે. જેમ તમને ઘણી ભૂખ લાગે તો તમે રસોડા બાજુ આંટા તો મારવાના. તેમ છૂટવાની જેને તીવ્ર તાલાવેલી લાગી છે તે દેવ-ગુરુ-ધર્મની આજુબાજુ આંટા તો મારવાના, તેમનો આશ્રય ક૨વાના, તેમનો બોધ સાંભળવાના, તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાના. તો જ એમની મોક્ષમાર્ગની ભૂખ ભાંગે, નહીં તો ના ભાંગે. બોધનું પરિણામ તો થાય. ધરાયેલાને તમે સારામાં સારી આઈટમ આપો તો એ જોશે, બહુ બહુ તો ચાખશે, પણ એ જમવાનો નહીં.
ભૂખ્યાને જેમ ઘેબર દેતા, હાથ ન માંડે ઘેલોજી; સેવો ભવિયા વિમલ જિનેસર, દુલ્લહા સજ્જન સંગાજી.
નિષ્કામ ભક્તિ વધારવાની છે. નિષ્કામ ભક્તિ એટલે ભગવાનને, ગુરુને અને પોતાના આત્માને unconditional surrender. આનું નામ સ્વધર્મ છે, વ્યવહારધર્મ છે અને નિશ્ચયધર્મમાં તો વાણીનો કોઈ પ્રવેશ નથી, એ તો ઉપયોગની આત્મા સાથે અભેદ દશા છે, અભેદતા છે. આ નિશ્ચયભક્તિ છે. આ પરાભક્તિ છે. ‘આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ જવું એ પરાભક્તિની છેવટની હદ છે.’ તો, ભક્તિ કરનારની અંદરમાં નમ્રતા આવશે, વિનય આવશે, અર્પણતા આવશે અને આજ્ઞાંકિતપણું આવશે. આ બધાય ગુણો તેને મોક્ષમાર્ગમાં આગળ વધારતા જાય છે. શ્રી પાનબાઈ કહે છે,
ભક્તિ કરવી હોય તેણે રાંક થઈને રહેવું, ને મેલવું અંતર કેરુ માન રે.
બહારમાં તું ગમે તેટલો મોટો છે, પણ એનું અભિમાન છોડી દે. ભક્તિ ન ભાવે તે જીવ અભાગિયા.
તો, ‘પર પ્રેમ’ એટલે ઉત્કૃષ્ટ પ્રેમ. ‘બઢે પ્રભુસે.’ તેનો પ્રવાહ ભગવાન પ્રત્યે, પરમપુરુષ એવા સદ્ગુરુ પ્રત્યે અને પોતાના આત્મા પ્રત્યે વધે તો બીજા પ્રત્યેનો પ્રેમ ઘટવાનો. તમારી પાસે સો રૂપિયા છે, એમાંથી એક જગ્યાએ નેવું રૂપિયા ઈન્વેસ્ટ કરી દીધા તો તમારી પાસે બીજે ઈન્વેસ્ટ ક૨વા માટે માત્ર દસ રૂપિયા જ રહ્યા છે; તેમ જે સાધક છે, ભક્ત છે, એના ઉપયોગનું મોટાભાગનું ઈન્વેસ્ટમેન્ટ ભગવાનમાં, ગુરુમાં, પોતાના આત્મામાં અને તેમણે પ્રરૂપેલા ધર્મમાં હોય છે.