________________
૨૧૮
શું સાધન બાકી રહ્યું ? એમ જયારે આત્માની અનુભૂતિ થશે ત્યારે એક બાજુ આનંદ પણ આવશે અને બીજી બાજુદુઃખ પણ થશે કે ઓહોહો! આ આત્માને પકડવા માટે મેં લાખો શાસ્ત્રો વાંચ્યા, જુદા જુદા તીર્થસ્થાનોમાં ભટક્યો, કેટલાંય ગુરુઓ મેં કર્યા, કેટલી ક્રિયાઓ કરી, કેટલું ધ્યાન કર્યું, કેટલી સામાયિક કરી, કેટલી માળાઓ ફેરવી ! પચાસ જોડી તો જોડાં ઘસી નાખ્યાં એટલી જાત્રાઓ કરી અને જ્યારે પછી ઈડરની ગુફામાં શાંત થઈને બેઠો ત્યારે અંદરમાંથી આ અનુભૂતિ આવી. ઓહોહો! પ્રભુ! તને શોધવા હું ક્યાં ક્યાં દોડ્યો ! અને તું તો અહીં હતો. મને ખબર જ ન હતી. નહીં તો પહેલેથી જ અહીં બેસી જાત ને. આ બધી દોડધામ કરત નહીં.
પરમકૃપાળુદેવ ફરમાવે છે,
ઉપયોગ લક્ષણે સનાતનસ્કુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કામણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
– શ્રીમદ્ રાજચંદ્ર - પત્રાંક - ૯૧૩ બધાંય મહાત્માઓની આ શિક્ષા છે કે ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત અવો આ જીવ સ્ફરિત છે, પ્રગટ ઉપયોગ દ્વારા અને તમે ઉપયોગ દ્વારા પરને જાણો છો, તમે આ પુસ્તકને જાણું અથવા બીજું કંઈપણ જાણ્યું, પણ આત્માનો ઉપયોગ ના હોય તો કોણ જાણે? જાણનાર કોણ છે? આત્માનો ઉપયોગ.
ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન?
– શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૫૫