________________
શું સાધન બાકી રહ્યું ?
એક વખત વાસણ ગામમાં સત્સંગ મેળાવડો હતો. દરબારોનું ગામ હતું. ત્યાં બાપજી ને અમે બધા સાથે ગયા. દરબારોએ જ આ મેળાવડો ગોઠવેલો હતા. અમે સ્ટેજ ઉપર ગયા. ત્યાં એક ભાઈએ એક ચિઠ્ઠી મારા ઉપર મોકલી કે આપ સંતો ગામમાં પધાર્યા છો અને આ ગામમાં વાર-તહેવારે જીવહત્યા બહુ થાય છે, માનતાઓ માનીને કરે છે. માતાજીનું કાંઈ માન્યું હોય અને પછી એ નિમિત્તે જીવોને વધેરે છે. આ હત્યા બંધ થાય તો જ આ ગામનું કલ્યાણ થાય, જીવોનું કલ્યાણ થાય અને તમારા નિમિત્તથી જ થાય. બાકી બીજું કોઈ કરી શકે તેમ નથી. વાંચીને મેં બાપજીને કીધું કે આવો કાગળ આવ્યો છે અને આપણે આમાં બળવાન થશું તો જ આ બધું બંધ થશે, નહીં તો નહીં થાય. તો તમારો ટેકો છે ને ? બાપજી કહે કે મારો સો એ સો ટકા ટેકો છે. તમે જે કહેશો એ કરવા બધા તૈયાર છીએ.
૨૦૬
પછી, પ્રવચનમાં જીવહિંસા ઉપર જ બોધ આપ્યો અને કહ્યું કે આ ગામમાં વારતહેવારે જીવોની હિંસા થાય છે, માનતાના નિમિત્તે, માતાજીને કે ભગવાનને જીવ વધેરો છો, તો જો આ હિંસા બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ ગામમાંથી જવાના નથી. એ બંધ થશે પછી જ અમે જઈશું. કોઈને બોધ પણ નહીં આપીએ, મૌનપણે અમે ભગવાનની ભક્તિ ને પ્રાર્થના કરીશું. પછી બાપજીએ પણ કીધું કે હું પણ એમની સાથે જ છું. હવે જે દરબારે મેળાવડો ગોઠવ્યો હતો એ પણ આ હિંસાના કામમાં જોડાયેલા હતા. બાપજીએ કહ્યું તેમને કે તમે બધા નિર્ણય કરીને લેખિત આપો, તો જ અમારું આ કામ આગળ ચાલશે.
પછી દરબારોની મિટીંગ થઈ અને નક્કી કર્યું કે આપણે ત્યાં સંતો આવ્યા છે ને એમને દુભવશું તો મોટું નુક્સાન થશે. વળી, આપણા મહેમાન છે, આપણે જ ખોલાવ્યા છે. એટલે આપણે એમનું માનવું જોઈએ. મેં પણ તેમને કીધું તમે માતાજીને કંઈ ના વધેરો અને નુક્સાન થાય તેની જવાબદારી મારી. આજથી તમે સુખડી ચડાવો. એ સુખડીના પૈસા હું આપીશ. પછી પંદર-વીસ દરબારોએ ભેગા થઈ કાગળ લખી સહી કરીને અમને આપ્યો કે આજથી અમારી જીવહિંસા બંધ. આજથી હવે ટોપરું કે સુખડી કે એવું કંઈ પણ ચડાવીશું, પણ કોઈ જીવોને અમે વધેરશું નહીં.
જુઓ ! એક સંતપુરુષના મેળાવડાઓ થાય છે તો હજારો માણસોને એ નિમિત્તે સાત વ્યસન છોડવાનું થયું. આવું હિંસક આચરણ છે, વ્યસનોવાળું આચરણ છે તે જ્યાં સુધી છૂટે નહીં ત્યાં સુધી જીવ આત્માનું કલ્યાણ સાધી શકે નહીં. હજી એ બધા આ વાતને યાદ કરે છે. ગુરુદેવકી આન સ્વ-આત્મ બસે.