________________
શું સાધન બાકી રહ્યું ?
૧૯૫
એનું કંઈ થવાનું નથી. તારું શું થશે એની ચિંતા કર ! સૌ સૌના ભાગ્ય લઈને આવ્યા છે. એ ભાગ્ય અનુસાર એનું થવાનું હશે તે થશે. તું કોઈના ભાગ્યમાં ફેરફાર કરી શકવાનો નથી, મૂકને ! શું કરવા વિકલ્પ કરી સમય બગાડે છે ? એમાં તારી ઇચ્છા પ્રમાણે કંઈ ફેરફાર થવાનો નથી કે તારા બદલવાથી કોઈનું કંઈ બદલવાનું નથી. હવે તું ઉપયોગ દ્વારા બદલાઈ જા. સદ્ગુરુના ચરણમાં અનન્ય પ્રીતિ સ્થિરપણે ટકવી જોઈએ. જ્યાં સુધી સ્વાધ્યાયમાં બેઠો ત્યાં સુધી શાંતિ ને સ્થિરતા, પછી બહાર નીકળ્યો એટલે પાછી અશાંતિ ને અસ્થિરતા. બહારની જગ્યાઓને પણ સ્વાધ્યાયહોલ બનાવી દો. ખરો પ્રેક્ટીકલ સ્વાધ્યાયહોલ બહાર જ છે, સ્વાધ્યાયહોલમાં નથી, તે થિયરીકલ સ્વાધ્યાયહોલ છે અને બહાર પ્રેક્ટીકલ સ્વાધ્યાયહોલ છે. વૃત્તિ બીજે ન જતાં ગુરુચરણમાં જ વસે. આત્માથી વિશેષ કોઈ પ્રીતિનું સ્થાન સાધકને ના હોય. એટલે પરમકૃપાળુદેવે કહ્યું છે,
આત્માથી સૌ હીન.
જગત ઈષ્ટ નહીં આત્મથી.
આત્માથી વિશેષ પ્રીતિ કોઈના ઉપર નહીં અને જેટલી પર પ્રત્યેની પ્રીતિ ઘટશે એટલી તમને શાંતિ મળશે, નહીં તો સ્વાધ્યાયહોલમાં બેઠા બેઠા પણ પ્રીતિ તમને નડશે. કેમ કે, ભલે તમે ક્ષેત્ર છોડીને આવ્યા છો, પણ પ્રીતિ છોડી નથી. તો તમને આકુળતા-વ્યાકુળતા, દુ:ખ થવાનું.
Work while work and play while play, that is the way to be happy I say. માટે, ચિંતા છોડી દો કે હવે આનું શું થશે ? જે થવાનું હશે તે થશે. થયું તોય તમને શું વાંધો છે ને ના થયું તોય તમને શું વાંધો છે ? તારું શું થશે એનું ધ્યાન રાખ. તો, બીજા સર્વ પ્રત્યે સ્વાભાવિકપણે વૈરાગ્ય આવશે. આવો સાચો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આવે તો રાગ ઘટે. સ્વરૂપમાં જ જો પ્રેમ, પ્રીતિ, ઇચ્છા હશે તો ઉપયોગ સ્વરૂપમાં સ્થિર રહેશે.
પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમભેદ સુઉર બસે;
અહીં પર એટલે પરમ, ઉત્કૃષ્ટ. ભગવાન પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રેમ થશે તો દરેક શાસ્ત્રોનો મર્મ હૃદયગત થશે. શ્રી યશોવિજયજી મહારાજ કહે છે,
મન મહિલાનું રે વાહલા ઉપરે, બીજાં કામ કરત;
તેમ શ્રુતધર્મે રે મન દેઢ ધરે, જ્ઞાનાક્ષેપકવંત. ધન. ૬
– શ્રી આઠ દૃષ્ટિની સજ્જાય - છઠ્ઠી કાંતા દૃષ્ટિ