________________
૧૬૬
શું સાધન બાકી રહ્યું ? બસ, મોટો પ્રચાર કરી નાખું ને પ્રસાર કરી નાખું ને આટલા ધર્મના સ્થાનકો આમ બનાવી નાખું ને આટલાને પમાડી દઉં. બાપુ ! શાંતિ રાખ ! પામીશ એટલે તું ઠરીને બેસી જઈશ, પછી તારે દોડાદોડ કરવી પડશે નહીં. તું ઠરીને બેસી જઈશ. ભગવાને સાડા બાર વર્ષ મૌનમાં જે પ્રભાવના કરી છે, તે તું આખી જિંદગી બોલીશ તો પણ નહીં થાય. અનંત ભવ કરીશ તો પણ નહીં થાય. મૌન એ મોટી પ્રભાવના છે. તો જીવે શાસ્ત્ર ભણીને શું કર્યું? ખંડનમંડનમાં પડી ગયો. આત્મહિત ચૂકી ગયો. બસ, તો આ “વહ સાધન બાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો.” આવા સાધન કેટલી વાર કર્યા? અનંતવાર. કોની વાત ચાલે છે? આપણી વાત ચાલે છે. બીજાની વાત નથી ચાલતી. અનાદિકાળમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર જિનદીક્ષા અને અનંતવાર આચાર્યપણું કર્યું, એક સત્ સુપ્યું નહીં, એક સત્ શ્રધ્યું નહીં, એક સત્ અનુભવ્યું નથી. તે સુયે, શ્રધ્ધ, અનુભવ્યે જ છૂટવાની વાર્તાનો આત્મામાંથી ભણકાર થશે. બસ, ખંડન-મંડનમાં પડવાની જરૂર નથી. કેટલાનું ખંડન કરશો ને ક્યાં સુધી ખંડન કરશો? ખંડનથી થોડી આત્માની શાંતિ, આત્માની પ્રાપ્તિ થઈ જાય છે? મંડનથી પણ થતી નથી. એક ખંડન-મંડનના ને શાસ્ત્રના બધા વિકલ્પો છોડશો ત્યારે નિર્વિકલ્પ થશો. શાસ્ત્રો લેતાં તો શીખ્યા પણ શાસ્ત્રોને છોડતા શીખ્યા નથી. શાસ્ત્રો પણ ઉપાદેય નથી, હેય છે. ઉપાદેય તો એક માત્ર પોતાનો શુદ્ધ આત્મા જ છે. માટે શાસ્ત્રમાં અટકશો નહીં. જો આ હેય-ઉપાદેયનો વિવેક આવશે, તો તમે શાસ્ત્રમાં અટકશો નહીં, પણ એનો સમ્યફ પ્રકારે પ્રયોગ કરી એનો યથાર્થ લાભ ઉઠાવી લેશો.
મહાવીરસ્વામી ભગવાન પૂર્વના મરીચિના ભવમાં આદિનાથ ભગવાનના શિષ્ય હતા. તેઓ ઘણા શાસ્ત્રો ભણેલાં. છતાં ભગવાનનો આશ્રય છોડી દીધો અને બીજા મતોનું મંડન કર્યું અને જિનમતથી વિમુખ થયા. આ બધા જે અત્યારે પંથ ચાલે છે તેના પ્રણેતા તેઓ જ હતા. એમને જયારે સત્ય સમજાયું ત્યારે એ બધું મૂકીને મોક્ષે જતા રહ્યા અને એ મતને પકડી રાખનારા રખડ્યા. માટે, આત્મજ્ઞાનમાં નિમિત્ત થાય એ અર્થે શાસ્ત્રજ્ઞાનનો ઉપયોગ કરવાનો છે. નવતત્ત્વની શ્રદ્ધા વિના સમ્યગદર્શન નથી અને નવતત્ત્વ જિન પરમાત્માની દિવ્યધ્વનિને ઝીલીને ગણધર ભગવંતો દ્વારા રચાયેલા આગમોમાં છે. એનું નિમિત્ત લઈને જીવ સાધના કરે તો સમ્યગદર્શન થાય છે. માટે હેય અને ઉપાદેયનો વિવેક આવવો જોઈએ. કયા સાધનને કેવી રીતે વાપરવું એનો વિવેક ના આવે તો તે સાધન તમને લાભના બદલે નુક્સાનકારક થાય.